January 15, 2025

નશાખોર પતિથી કંટાળેલી પત્ની બની ગઈ ડ્રગ પેડલર, આખરે થઈ ગઈ ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: બેકાર અને નશો કરતા પતિથી કંટાળીને મહિલાએ MD ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો. જોકે, આ મહિલા વધારે દિવસ પોલીસ પકડથી દૂર ન રહી શકી અને SOGએ શાહઆલમમાં દરોડા પાડીને મહિલા ડ્રગ્સ પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલા ઘરમાં જ ડ્રગ્સનો ધંધો કરતી હોવાનું ખુલ્યું છે. આ ડ્રગ્સ નેટવર્કમાં વધુ એક મહિલા ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું છે. SOG ક્રાઇમે ફરાર મહિલાની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદમાં ડ્રગ્સના નેટવર્કમાં મહિલા ડ્રગ્સ પેડલરનું પ્રમાણ વધી રહ્યું છે. SOG ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતી આરોપી સાહિનબાનુ સૈયદ અને આમિરખાન પઠાણ છે. જેઓ MD ડ્રગ્સના પેડલર છે. SOG ક્રાઇમની બાતમી મળી કે શાહઆલમમાં આવેલ અમજા ફ્લેટમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે SOG ક્રાઇમે અમજા ફ્લેટના પાંચમા માળે રેડ કરી હતી અને ડ્રગ્સનું વેચાણ કરી રહેલી સાહિનબાનુને રૂ. 6.47 લાખના ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. આ મહિલા ડ્રગ્સ પેડલરે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આમીરખાન પઠાણ નામના 20 વર્ષના યુવકને નોકરી રાખ્યો હતો. આરોપી નશાનો બધાંની છે.SOG ક્રાઇમે બંન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ કરતા રામોલની ડ્રગ્સની વધુ એક મહિલા પેડલર સિરિનબાનું શેખ નામની મહિલાનું નામ ખુલ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ મહિલા ડ્રગ્સ પેડલર સાહિનબાનુ સૈયદનો પતિ યાસીનમિયા બેકાર હતો.અને દારૂની નશાની લત હોવાથી મહિલાએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. એક વર્ષ પહેલાં સામાજિક પ્રસંગ માં રામોલની ડ્રગ્સ મહિલા પેડલર સિરિનબાનુના સંપર્કમાં આવી હતી. અને ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. સિરિનબાનુ રામોલથી એક્ટિવા પર ડ્રગ્સનો જથ્થો સાહિનબાનુને આપવા આવતી હતી. 7 વખત આ પ્રકારે ડ્રગ્સ પહોચાડયુ હતું.

સાહિનબાનુ પોતાના ઘરમાં ડ્રગ્સની પડીકી બનાવીને વેચાણ કરતી હતી. ડ્રગ્સના બધાંની ઘરે આવીને ડ્રગ્સ ખરીદી કરતા હતા. તો કેટલાક ને આમીરખાન ડિલિવરી આપવા જતો હતો. છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના વેચાણનું આ નેટવર્ક ધમધમી રહ્યું હતું. એટલું જ નહીં ડ્રગ્સ કેસની વોન્ટેડ આરોપી સિરિનબાનુનો પતિ અલ્લારખા ઉર્ફે અકબર ખાન અગાઉ ડ્રગ્સ કેસમાં SOG એ 2 વખત ઝડપયો હતો.તે હાલ સાબરમતી જેલમાં બંધ છે. જેથી સિરિનબાનુએ પતિનો ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું ખુલ્યું છે.

SOG ક્રાઇમે ડ્રગ્સના નેટવર્ક કેસમાં બન્ને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં એક મહિલાએ બેકાર પતિના કારણે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો તો બીજી મહિલાએ પતિના ડ્રગ્સના ધંધા ને ચાલુ રાખવા ડ્રગ્સના ધંધામાં ઝપલાયું. આ પ્રકારે બંન્ને મહિલાએ ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું.પરંતુ પોલીસે આ ડ્રગ્સનું નેટવર્કનો પર્દાફાશ કર્યો. SOG ક્રાઇમે વોન્ટેડ મહિલા ડ્રગ્સ પેડલર ને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી.