January 15, 2025

બોલિવૂડની આ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે ઢોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી સ્નેહલતા

Snehalata: હાલમાં ગુજરાતી ફિલ્મોમાં અનેક નવી અભિનેત્રીઓ પદાર્પણ કરી રહી છે. પરંતુ ગુજરાતી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ અને પોતાના અદ્ભુત અભિનય થકી પોતાની ઓળખ બનાવનાર સ્નેહલતા હાલમાં પણ લોકાના હૈયામાં વસેલી છે. સ્નેહલતાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનયથી લાખો ચાહકોના દીલમાં છાપ છોડી હતી. તેમની સુપરહીટ ફિલ્મોની વાત કરીએ તો, હિરણને કાંઠે, રા’ નવઘણ, ભાદર તારાં વહેતા પાણી, મેરૂ માલણ, ઢોલા મારૂ, મોતી વેરાણા ચોકમાં, પારસ પદમણી, પંખીડા ઓ પંખીડા, મેરૂ મૂળાંદે, સાજણ તારા સંભારણા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સ્નેહલતા ગુજરાતી સિનેમામાં કામ કરીને ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. તે ગુજરાતી ફિલ્મોની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. તેમણે હિન્દી સિનેમામાં પણ અભિનય કર્યો છે. સ્નેહલતા ભગવાન શ્રી કૃષ્ણ, સંપૂર્ણ મહાભારત, નાટક, રામ રાજ્ય, મેરે હમદમ મેરે દોસ્ત, બેઈમાન જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

અનેક સુપરહીટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા છેલ્લા ઘણાં વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર છે. પરંતુ શું તમે જાણો છો કે, ગુજરાતી ફિલ્મોમાં અકલ્પ્ય સફળતા મેળવનારાં અભિનેત્રી સ્નેહલતાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને આ દરમિયાન તેમણે હાલના દિગ્ગજ બોલિવૂડ ડાયરેક્ટર સુભાષ ઘાઈ સાથે લીડ રોલમાં કામ કર્યું હતું.

સ્નેહલતાએ સુભાષ ઘાઈ સાથે વર્ષ 1975માં આવેલી હિંદી ફિલ્મ ‘નાટક’માં અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં વિજય અરોરા અને મૌસમી ચૅટરજી હીરો-હિરોઇન હતાં અને સેકન્ડ લીડમાં સુભાષ ઘઈ અને સ્નેહલતા હતાં. આ ફિલ્મ Shemaroo પર ઉપલબ્ધ છે અને તેમાં તમે સ્નેહલતાનો અદ્ભુત અભિનય જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે, સ્નેહલતાની ‘હોથલ પદમણી’ અને ‘હરિશ્ચંદ્ર તારામતી’ જેવી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ હતી. અગાઉ વર્ષો સુધી તેમણે બોલિવૂડમાં હિરોઇન બનવા માટે કોશિશ કરી હતી. પરંતુ તેમને જોઈએ તેવા રોલ મળ્યા નહોતા.

સ્નેહલતાને સૌપ્રથમ 1967માં વિજય ભટ્ટની ‘રામરાજ્ય’ ફિલ્મમાં રોલ મળ્યો હતો. એ ફિલ્મમાં સ્નેહલતાએ ચિત્રલેખાનો રોલ કર્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં સ્નેહલતાએ સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હીટ રહી છે.