December 12, 2024

કુલ્લુનો મલાણા ડેમ તૂટ્યો, સમગ્ર ખીણ વિસ્તાર પાણી-પાણી

કુલ્લુઃ હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુ જિલ્લાના મણિકરણના મલાણા ગામમાં બનેલો પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. તેને કારણે ખીણમાં પૂ રજેવી સ્થિતિ પેદા થઈ છે. ડેમ ફાટવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

રાતોરાત વરસાદને કારણે બિયાસ નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણી આવ્યા છે અને જળસ્તર સતત વધી રહ્યું છે. મોટા પ્રમાણમાં પાણી આવવાથી નદીએ દિશા બદલી નાંખી છે. તે મનાલી શહેરની નજીક તેનો માર્ગ બદલીને હાઈવે પરથી વહે છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે અનેક જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે ભુંતરની આસપાસના રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, આજે સ્કુલો રહેશે બંધ

મળતી માહિતી મુજબ, લેહ-મનાલી હાઇવે પલચન પાસે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બિયાસ નદીના ઉગ્ર સ્વરૂપના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે. હાલમાં કોઈ પણ પ્રકારે જાનહાનિ થઈ નથી. બીજી તરફ, પાર્વતી નદીના પૂરમાં શાકમાર્કેટની વિશાળ ઈમારત ધોવાઈ ગઈ હોવાની માહિતી મળી છે.

બીજી તરફ, મંડી જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ છે. મંડીથી ઓટ સુધી ભૂસ્ખલન થયું છે અને ભૂસ્ખલનને કારણે નાળામાંથી કાટમાળ પણ હાઇવે પર આવી ગયો છે. બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.