December 21, 2024

Navsari Rain: કેલીયા ડેમ ઓવરફ્લો થતા 23થી વધુ ગામોને એલર્ટ કરાયા

જીગર નાયક, નવસારી: વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનવાયો છે. હજીપણ મેઘરાજા અટકવાનું નામ લેતા નથી, જેના કારણે નદી નાળા અને ડેમો છલકાય ગયા છે. આજે કેલીયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતા કેલીયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ભરાવવાને લઈને 19 ગામોની ખેતીને લાભ થશે. જોકે ઓવરફલોને કારણે 23 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જીવાદોરી સમાન જૂજ અને કેલીયા ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કુલ 23થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકાનું 1, ચીખલી તાલુકાના 16, ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના અપાય છે.

હાલ ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડતાં વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કલાકે-કલાકે જળસ્તરમાં વધ-ઘટ થઈ રહી છે. ત્યાં જ પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.