September 20, 2024

દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના મામલે ગૃહ મંત્રાલયે કમિટી બનાવી, 30 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે

Old Rajendra Nagar Accident Case: સોમવારે (જુલાઈ 29) દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાથી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગૃહ મંત્રાલયે નવી દિલ્હીના ઓલ્ડ રાજીન્દર નગરમાં કોચિંગ સેન્ટરમાં બનેલી કમનસીબ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.’ સમિતિ કારણોની તપાસ કરશે, જવાબદારી નક્કી કરશે, પગલાં સૂચવશે અને નીતિમાં ફેરફારની ભલામણ કરશે. આ કમિટીમાં એડિશનલ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ), દિલ્હી સરકાર, સ્પેશિયલ સીપી, દિલ્હી પોલીસ, ફાયર એડવાઈઝર અને જોઈન્ટ સેક્રેટરી, ગૃહ મંત્રાલય કન્વીનર તરીકે સામેલ હશે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.

આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો
બીજી તરફ, કોર્ટે સોમવારે આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોચિંગ સેન્ટરના ચાર સહ-માલિકો તજિંદર સિંહ, પરવિંદર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહ અને કાર ડ્રાઈવર મનુજ કથુરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ કુમારે તેને 12 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપીઓની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થશે.

આવતીકાલે જામીન માટે દલીલો થશે
ધરપકડ કરાયેલા પાંચમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે જે વરસાદી પાણીથી ભરેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આરોપ છે કે ત્યાંથી પસાર થતા વાહનને કારણે ત્રણ માળની ઈમારતના ભોંયરામાં પાણી ઘૂસી ગયું હતું. ડ્રાઈવરના વકીલે કોર્ટને કહ્યું કે તેમના અસીલનો કોઈને મારવાનો ઈરાદો નથી. જોકે, કોર્ટે વકીલને મંગળવારે જામીન માટે લેખિત દલીલો કરવા જણાવ્યું હતું. કોચિંગ સેન્ટરના ભોંયરાના ચાર સહ-માલિકોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે બિલ્ડિંગને ભાડે આપવાથી બેદરકારી અને દોષિત હત્યા સહિતના ગુનાઓ માટે કોઈ જવાબદારી ઊભી થતી નથી. કોર્ટે વકીલને લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું.