January 15, 2025

કોર્ટનો બાબા રામદેવને ફટકો, દવા પરનો દાવો પાછો ખેંચવો પડશે

Baba Ramdev: યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છે જેમાં ‘કોરોનિલ’ને કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથે એલોપેથીની અસરને લઈને જે વાતો કહેવામાં આવી છે તે પણ પાછી લેવી પડશે. કોર્ટે તેમને 3 દિવસમાં આવું કરવા માટે કહ્યું છે.

ચુકાદો આપતી વખતે જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની બેન્ચે કહ્યું, ‘હું અરજી મંજૂર કરું છું. મેં કેટલીક સામગ્રી, પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે. મેં બચાવ પક્ષને ત્રણ દિવસમાં તેને દૂર કરવા કહ્યું છે, અન્યથા મેં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આમ કરવા માટે નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 21 મેના રોજ આ મુદ્દે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રામદેવની કંપનીએ કોરોનિલ કીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઈલાજ ગણાવ્યો હતો, જ્યારે તેને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોના વેચાણને વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે.