December 26, 2024

રાજ્યમાં ટીબીની ઘાતક્તા: ટીબીથી થતા મોતના મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે

ગાંધીનગર: ટયુબરક્યુલોસિસ એટલે ટીબી. ગુજરાત આરોગ્ય મંત્રાલયે કેટલીક વિગતો જાહેર કરી છે, જેના વિશે જાણી તમે પણ ચોંકી જશો. ગુજરાતમાં ટીબીથી રોજ 15થી 16 લોકો મોતને ભેટે છે. રાજ્યમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં કુલ 2784 ટીબીના દર્દીઓના મોત થયા છે. જે એક ચિંતાનજક આંકડો છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં ટીબીથી 34384 દર્દીઓના મોત થયા છે. 5 વર્ષમાં ડેન્ગયૂથી 47 અને ચાર વર્ષમાં ટાઈફોઈડથી 19 લોકોના મોત થયા છે. ત્યાં જ ટીબીથી મોત મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. જોકે છેલ્લા 6 મહિનામાં ઉત્તરપ્રદેશમાં ટીબીથી સૌથી વધુ લોકોના મોત થયા છે.

રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 15થી 16 વ્યક્તિ ટીબીને કારણે જીવન ગુમાવે છે. ગુજરાતમાં ટયુબરક્યુલોસિસ (ટીબી)ના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં જ ટીબીના કેસમાં 2784 દર્દીના મોત થયા છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, પૂર્ણા નદીએ લાલ નિશાન વટાવ્યું

છેલ્લા 6 મહિનામાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે છે ત્યાં જ દર્દીના મોતના મામલે ઉત્તરપ્રદેશ-9114 પ્રથમ સ્થાને છે. મહારાષ્ટ્ર-3852 સાથે બીજા સ્થાને છે અને મધ્યપ્રદેશ-3243 સાથે ત્રીજા સ્થાને છે તો ગુજરાત-2784 દર્દીના મોત સાથે ચોથા સ્થાને છે.

ઉલ્લેખનિય છે કે, એક જાણકારી અનુસાર અમદાવાદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ચાર હજાર નવા કેસ ટીબીના નોંધાતા હોય છે. ઘરમાં કોઇને ટીબી હોય તો અન્ય સદસ્યોએ ખૂબ જ તકેદારી રાખવી જોઇએ. ટીબી થયો હોય તેને અને તેમના પરિવારના સદસ્યોને પૌષ્ટિક આહારથી લઇને કઇ તકેદારી રાખવી તેના અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85 થી 88 ટકા જોવા મળે છે.

ગુજરાતમાં ટીબીથી મોતના આંકડા

વર્ષ આંકડો
2019 6436
2020 6870
2021 5472
2022 6846
2023 5976
2024 2784 ( જૂન સુધી )