December 24, 2024

દબંગ હોવાનો રૌફ મારતા ત્રણ નબીરાઓને પકડીને અડાજણ પોલીસે સરઘસ કાઢ્યું

અમિત રૂપાપરા, સુરત: સુરતના અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી નુતન રો હાઉસમાં એક યુવક પર ત્રણ ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં બુટલેગરની છાપ ધરાવતા વિકાસ, રોહિત અને પોપટ નામ ત્રણ ઇસમો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણેય ઇસમો દ્વારા યુવકને પેટના ભાગે ચપ્પુ મારીને તેમજ માથાના ભાગે લોખંડનો પાઈપ મારીની ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને અડાજણ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરીને વિકાસ, રોહિત અને પોપટ નામના ત્રણેય ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણેયનો ખૌફ જે વિસ્તારમાં હતો તે વિસ્તારમાં આરોપીઓનું પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ દ્વારા અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ અસામાજિક તત્ત્વોને કાયદો કે વ્યવસ્થાની કઈ પડી ન હોય અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં અવારનવાર હત્યા, ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો દાખલ થયો હતો. આ ઘટનામાં અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ ઇસમો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવકને માથાના ભાગે પાઈપ મારી અને પેટના ભાગે ચપ્પુ મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને અડાજણ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનામાં વિશાલ ઉર્ફે ગોટુ શિંદે, શીરાગ ઉર્ફે બાબુ અને હિતેશ ઉર્ફે પોપટ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમો માથાભારેની છાપ ધરાવતા હોવાના કારણે અડાજણ પોલીસ દ્વારા તમામનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ ઇસમો જે વિસ્તારમાં દાદાગીરી કરતા હતા તે વિસ્તારમાં લઇ જઈને બે હાથ જોડીને લોકો સમક્ષ માફી મંગાવવામાં આવી હતી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસના હાથે ઝડપાયેલા આ ત્રણેય ઇસમો બુટલેગર છે. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે આ ઇસમો સામે પોલીસ દ્વારા કેવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જોવાનું રહે છે.

READ MORE: તેલના ડબ્બા, સ્કોલરશીપના નામે શખ્સે મધ્યમ વર્ગની મહિલાઓને છેતરી લાખોનો ચૂનો ચોપડ્યો

ઉલ્લેખનીય છે કે સુરતની અડાજણ પોલીસની રહેમ નજર હેઠળ અડાજણ વિસ્તારમાં અનેક જગ્યા પર દારૂનું બેફામ થતું હોવાની લોકચર્ચા ચાલી રહી છે. અગાઉ વિજીલન્સ દ્વારા પણ અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થતા દારૂના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તો થોડા દિવસ પહેલા જ એક યુવક દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી, અ જનતા રેડ દરમિયાન બુટલેગર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.