December 22, 2024

2 દિવસ ચાલુ રહેશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અમદાવાદમાં થશે મેઘમહેર: હવામાન વિભાગની આગાહી

જયેશ ચૌહાણ, અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. તો અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત સાવ કોરુધાકોર છે. ત્યારે, ફરી એકવાર ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

તો, આજે વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, બોટાદ, દીવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે, આજે અમદાવાદ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુમાં હવામાન વિભાગે આવતીકાલ માટે પણ વરસાદને લઈને આગાહી કરતાં એલર્ટ આપ્યું છે. આવતીકાલે 23 જુલાઈના રોજ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, 23 જુલાઈએ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુમાં, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આપી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 5 ટકા વધુ વરસાદ થયો છે તો સૌરાષ્ટ્રમાં 40% વધુ વરસાદ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 20% ઓછો વરસાદ થયો છે.