November 26, 2024

ભારતીય ફૂટબોલ ટીમને મળ્યા નવા કોચ, FC ગોવા ટીમ સાથે નિભાવશે બેવડી જવાબદારી

Football In India: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ શનિવારે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ ઈગોર સ્ટિમેકના સ્થાને ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના નવા કોચની જાહેરાત કરી હતી. AIFFએ આ પદ માટે મનોલો માર્ક્વેઝની પસંદગી કરી છે. સ્પેનના 55 વર્ષીય માર્ક્વેઝ હાલમાં ઈન્ડિયન સુપર લીગ (ISL)ની ટીમ FC ગોવાના હેડ કોચ છે. જોકે, AIFFએ માર્ક્વેઝના કાર્યકાળનો ખુલાસો કર્યો નથી.

માર્ક્વેઝ હાલની સિઝનમાં ગોવા સાથે જોડાયેલા રહેશે
ભારતીય ટીમ 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા બાદ 17 જૂને સ્ટિમેકને મુખ્ય કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. AIFFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિતિએ દિવસના પહેલા નિર્ણયમાં સિનિયર મેલ ટીમ માટે નવા કોચની નિયુક્તિ પર ચર્ચા કરવામાં આવી અને તત્કાલ અસરથી આ પદ માટે મનોલો માર્ક્વેઝની પસંદગી કરવામાં આવી છે. મનોલો માર્ક્વેઝ 2024-25 સેશન દરમિયાન ગોવા ફૂટબોલ ક્લબના હેડ કોચ તરીકે પોતાનું કામ ચાલુ રાખશે. તેઓ, પૂર્ણકાળના આધારે રાષ્ટ્રીય ટીમના કોચ બનતા પહેલા બંને જવાબદારીઓ સાથે નિભાવશે.

AIFF પ્રમુખ કલ્યાણ ચૌબેએ માર્ક્વેઝની આ પદ પર નિમણૂક પર ખુશી વ્યક્ત કરી હતી અને માર્ક્વેઝને મુક્ત કરવા બદલ FC ગોવાનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું, ‘અમને આ મહત્વપૂર્ણ ભૂમિકા માટે માર્ક્વેઝનું સ્વાગત કરવા બદલ આનંદ થાય છે અને રાષ્ટ્રીય ફરજ માટે તેને મુક્ત કરવા બદલ અમે FC ગોવાના આભારી છીએ. અમે આગામી વર્ષોમાં માર્ક્વેઝ સાથે કામ કરવા આતુર છીએ. AIFF, FC ગોવા અને માર્ક્વેઝ એ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરશે કે બંને કાર્યો વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય.

માર્ક્વેઝ ભારતને ગણાવે છે બીજું ઘર
માર્ક્વેઝએ કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે કામ કરવું તેમના માટે સન્માનની વાત છે. તો સાથે સાથે તેમણે ભારતને પોતાનું બીજું ઘર પણ ગણાવ્યું. ભારતીય ટીમના નવનિયુક્ત કોચે વધુમાં કહ્યું કે પ્રશંસકો માટે સફળતા મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. માર્કેઝે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે કોચ બનવું મારા માટે સન્માનની વાત છે, એક એવો દેશ જેણે હું મારું બીજું ઘર માનું છું. હું ભારત અને તેના લોકો સાથે જોડાયેલો હોવાનું અનુભવું છું અને જ્યારથી હું પહેલીવાર આવ્યો છું ત્યારથી આ સુંદર દેશનો એક ભાગ છું. હું મારા લાખો ચાહકોને સફળતા અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા માંગુ છું. હું FC ગોવાનો પણ આભારી છું, હું હજુ પણ ટીમનો કોચ છું અને મને આ તક આપવા બદલ હું AIFFનો આભારી છું.