November 25, 2024

રૂપિયાની લેતીદેતી મામલે રાંદેરમાં હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને પતાવી દીધો

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત છે. ડાયમંડ અને સ્માર્ટ સિટી સુરત ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું હોય તેમ એકબાદ એક હત્યાઓની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યાં સુરતના રાંદેર વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી મામલે હત્યારાઓએ તિક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. મળસ્કેના પાંચ વાગ્યાના સમય દરમિયાન બનેલી હત્યાની આ ઘટનામાં દોડતી થયેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

સ્માર્ટ સીટી સુરત ફરી રાકતરંજિત બન્યું છે. ડાયમંડ અને સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા સુરતમાં હત્યાઓનો સિલસિલો યથાવત છે. જ્યાં માત્ર રૂપિયાની લેતીદેતી મામલે હત્યારાઓએ યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા છે. ઘટના પર નજર કરવામાં આવે તો રાંદેર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય મુનાફ શેખ શકીલ અને ફારૂક મોહમ્મદ પટેલ વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલો ચાલી આવ્યો હતો. જે રૂપિયાનો મામલો હત્યામાં પરિણમ્યો હતો.

શનિવારના રોજ સુરતના રાંદેર મુકામે આવેલ ચિસ્તિયા ચાર રસ્તા પાસે 21 વર્ષીય મુનાફ શેખ શકીલ મળસ્કેના પાંચ વાગ્યે કામ અર્થે ગયો હતો. તે દરમિયાન અહીં આવેલી ચાની દુકાન પર મુનાફ શેખ ચા પીવા માટે બેઠો હતો. તે વખતે અહીં ફારૂક પટેલ નામનો શખ્સ આવી ચઢ્યો હતો. ફારૂક અને મુનાફ વચ્ચે રૂપિયાની લેતીદેતીનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો હતો. તેમાં બંને વચ્ચે આ વાતને લઈ માથાકૂટ થઈ હતી. જ્યાં રોષે ભરાયેલા ફારૂક દ્વારા તેની પાસે રહેલા ઘાતક હથિયાર વડે મુનાફ પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત મુનાફને તત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મુનાફ શેખનું મોત નીપજ્યું હતું. મુનાફની હત્યાને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ રાંદેર પોલીસે મૃતકની લાશને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. રાંદેર પોલીસ દ્વારા મૃતક મુનાફ શેખના ભાઈ નઝીર શેખની ફરિયાદ લઈ હત્યારા ફારૂક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.

રાંદેર વિસ્તારમાં સરાજાહેર બનેલી હત્યાની ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આરોપી પોલીસ પકડથી હાલ દૂર છે. આ આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમો હાલ કામે લાગી છે. પરંતુ સુરતમાં બનેલી આ હત્યાની ઘટનાએ ફરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કર્યા છે.