December 21, 2024

સુરતમાં પત્નીનું પેટ ચીરી-કાંડા કાપી હત્યા કરનારા પતિની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ધ બુલ ગ્રુપની હોટલમાંથી નીસી ચૌધરી નામની યુવતીની લાશ મળી આવી હતી. હોટલના સ્ટાફ દ્વારા આ બાબતે પોલીસને માહિતી આપતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે, યુવતીની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી છે. પતિ દ્વારા એટલી ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરવામાં આવી હતી. યુવતીનું પેટ તેના પતિએ છરી વડે ચીરી નાખ્યું હતું અને ત્યારબાદ બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા હતા. પોલીસે યુવતીની હત્યા કરનારા પતિ રોહિતની ધરપકડ કરી છે. તો બીજી તરફ રોહિતે પણ ડોલોની 45 કરતાં વધુ ગોળીઓ ખાઈ લીધી હોવાના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થતાં પોલીસે રોહિતની ધરપકડ કરી છે.

રોહિત કાટકર અને મૃતક યુવતી નિશી વચ્ચે 2022માં પ્રેમસંબંધ બંધાયો હતો. સૌપ્રથમ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. રોહિતને ખબર હતી કે, તેનો પરિવાર નીશીને નહીં સ્વીકારે છતાં પણ તેને ડિસેમ્બર 2022માં એડવોકેટની પ્રેક્ટિસ કરતી નીશી સાથે ચોરીછુપીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ રોહિત અને નિશી સાથે રહેતા હતા જો કે રોહિતના પરિવારને એવું હતું કે, રોહિત સિંગલ છે અને 2023માં નીસી અને રોહિતની તસવીરો તેના પરિવાર સામે આવી ગઈ અને બંનેના પરિવારના સભ્યોને જાણ થઈ કે બંનેએ લવમેરેજ કરી લીધા છે.

ત્યારબાદ નીશી રોહિતના ઘરે રહેવા ચાલી ગઈ હતી. પરંતુ સાસરીયાઓ ખૂબ જ ત્રાસ ગુજારતા હતા અને જાતિ વિષયક શબ્દો પણ કહેતા હતા. આ ઉપરાંત નીશીને મહેણાટોણાં મારી નોકરીનું કામ છોડી ઘરકામ કરવા પણ ટોર્ચર કરતા હતા. તો માતા-પિતાની વાતમાં આવીને ક્યારેક રોહિત પણ ઉશ્કેરાઈ જતો હતો અને નીશી સાથે મારઝૂડ કરતો હતો અને અંતે નિશી માતાના ઘરે આવી ગઈ હતી અને ત્યારબાદ તે માતા સાથે જ રહેતી હતી. પરંતુ અચાનક જ પતિ દ્વારા એટલે કે રોહિત દ્વારા નિશીને હોટેલમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ રોહિતે નિશીની હત્યા કરી દીધી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ રોહિત પત્નીની લાશ સાથે હોટલના રૂમમાં જ રોકાયો હતો. જો કે, હોટલના રૂમનો દરવાજો નહીં ખુલતા કર્મચારી દ્વારા દરવાજો કઢાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોહિત રૂમનો દરવાજો ખોલતાની સાથે જ ભાગી ગયો હતો અને રૂમની અંદરથી જોતા લાશ મળી હતી. ત્યારબાદ હોટલના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ચપ્પુ વડે રોહિતે પોતાની પત્નીનું પેટ ફાડી નાખ્યું હતું. આ ઉપરાંત બંને હાથની નસ કાપી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

પત્નીની હત્યા કરવા બાદ ભાગી ગયેલો રોહિત 45 કરતાં વધારે ડોલોની ગોળી ખાઈને પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ રોહિતની સારવાર પૂર્ણ થતા તેની ધરપકડ પાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો પોલીસની પૂછપરછમાં રોહિતે જણાવ્યું હતું કે, પતિ-પત્નીના ઘરકંકાસને લઈને તેને આ પગલું ભર્યું હતું અને પત્નીની હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા બાદ તેને પણ આપઘાત કરવો હતો અને એટલા માટે તેને 45 જેટલી ડોલોની ગોળી ખાધી હતી.