January 15, 2025

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ, જૂનાગઢ-દ્વારકામાં ‘મેઘતાંડવ’

અમદાવાદઃ ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ છે. દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. ઘણી જગ્યાએ હાઇવે બંધ કરવા પડ્યા છે તો ક્યાંક ગામ સંપર્કવિહોણા બની ગયા છે.

જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત સાંજથી રાત સુધી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક દોઢથી સાડા સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કેશોદ તાલુકામાં 7.56 ઈંચ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં 1.6 ઈંચ નોંધાયો છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યોછે. ત્યારે મઘરવાડા ગામ બન્યું સંપર્કવિહોણું બન્યું છે. સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. તેને કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે. ગામ લોકો દ્વારા ચાર ખેડૂતોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

કેશોદ તાલુકામાં છેલ્લા બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તાલુકાના માળિયા હાટીનામાં કાત્રાસા ગામમાં કાર પાણીમાં તણાઈ ગયો છે. જેમાં બેસેલો ડ્રાઇવર લાપતા થયો છે. વ્રજમી નદીના પુલ પરથી પસાર થતી વખતે કાર તણાઈ ગઈ હતી. હાલ NDRFની ટીમે ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રોકડિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. સમગ્ર જિલ્લામાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે.

તો જિલ્લાના ભારવાડ ગામના વાડી વિસ્તારમાં મકાન ડૂબ્યું છે. વધુ પાણીના પ્રવાહને કારણે મકાન પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે મકાનમાં રહેતો પરિવાર છત પર જીવ બચાવવા માટે પહોંચ્યો હતો. પરિવારના 6 સભ્યો મકાનની છત પર દોડી ગયા હતા. ફાયરવિભાગને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. પોરબંદરમાં 13 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે.

પોરબંદર જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત્ છે. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પોરબંદરમાં યુગાન્ડા રોડ ઉપર ઝાડ પડતા બે ગાડીને નુકસાન પહોંચ્યું છે. બરડા પંથકમાં વીજળીના ચમકારા સાથે વરસાદી જમાવટ જોવા મળી છે. બરડા પંથકના મજીવાણા, સોઢાણા, મોઢવાડા, ફટાણા સહિતના અનેક ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સુત્રાપાડા, કોડીનાર, તાલાલા, વેરાવળમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. પ્રાચી તીર્થથી મોહબતપરા ગામ તરફ જતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામ નજીક યાત્રિકો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. તડથી વાંસોજ ગામના રોડ પર રસ્તામાં બસના ટાયર ફસાયા હતા. રોડ બિસ્માર હાલતમાં હોવાથી અમરનાથથી પરત ફરી રહેલા મુસાફરોની બસ ફસાઈ ગઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો, કલ્યાણપુર તાલુકાની રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને પગલે રાણ ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બે કાંઠે નદી વહેતી હોવાથી લોકોને માર્ગ પરથી અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. પાનેલી ગામથી હરીપર ગામને જોડતો રસ્તો ધોવાયો છે. ત્યારે રસ્તામાં પાણીના પૂર આવતા રસ્તો થયો બંધ છે. તો જામ કલ્યાણપુર તાલુકાના રાવલ અને દ્વારકાને જોડતા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે વરસાદને કારણે રાવલમાં આજુબાજુના ખેતર સહિત નીચાણવાળા વિસ્તારો અને બસ સ્ટેન્ડથી આગળનો રામદેવ પીર ચોક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત રાવલ-જામ કલ્યાણપુર હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી.