November 23, 2024

Paris Olympics 2024 ગેમ્સની સુરક્ષામાં તૈનાત રહેશે ભારતના સ્પેશ્યલ K-9 યુનિટના શ્વાન

Paris Olympics 2024: 26 જુલાઈથી શરૂ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં યજમાન ફ્રાંસ માટે સૌથી મોટો મુદ્દો સુરક્ષાનો છે. ફ્રાન્સની સરકારે આ માટે તૈયારી કરી લીધી છે અને ખાસ વાત એ છે કે પેરિસ ઓલિમ્પિકની સુરક્ષામાં ભારત પણ સહયોગ આપી રહ્યું છે. તાજેતરમાં જ ભારતની 10 સભ્યોની વિશેષ સુરક્ષા ટીમ પેરિસ પહોંચી હતી. તેનું નામ K-9 યુનિટ છે અને તે એક ખાસ શ્વાન ટીમ છે, જે પેરિસ ઓલિમ્પિક દરમિયાન ફ્રાન્સ સાથે મળીને ગેમ્સની સુરક્ષા સંભાળશે. ફ્રાન્સમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે ટીમનું સ્વાગત કર્યું હતું.

વિસ્ફોટક પદાર્થો શોધવામાં નિપુણતા
ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના K-9 યુનિટ સિવાય વિશ્વભરમાંથી લગભગ 40 મિલિટરી શ્વાન યુનિટને સુરક્ષામાં મદદ માટે ફ્રાન્સ બોલાવવામાં આવ્યા છે. આ શ્વાન યૂનિટનો ઉપયોગ વિસ્ફોટક પદાર્થોને શોધવા માટે સુરક્ષા ટીમોને ખતરા સાથે વ્યવહાર કરવામાં મદદ કરવા માટે કરવામાં આવશે. આ એકમો સમગ્ર ફ્રાન્સમાં મહત્વપૂર્ણ સ્થળોએ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 40ના મોત તો અનેક ઈજાગ્રસ્ત

આતંકવાદી હુમલાનો ખતરો
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ પર આતંકવાદી હુમલાનો ખતરો છે. પેરિસના પોલીસ વડા લોરેન્ટ નુનેઝે સુરક્ષાની ચિંતાઓ પર જણાવ્યું હતું કે: “અમે આતંકવાદ, ખાસ કરીને ઇસ્લામિક આતંકવાદ, તેમજ કટ્ટરપંથી પર્યાવરણવાદીઓ, વામપંથીઓ, ઉગ્રવાદીઓ અને પેલેસ્ટાઈન તરફી ચળવળો આ ગેમ્સ દરમિયાન નુકસાન પહોંચાડી શકે તેવા ખતરા અંગે ચિંતિત છીએ.

લગભગ એક લાખ સૈનિકો ગેમ્સનું રક્ષણ કરશે
– પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન લગભગ એક લાખ સૈનિક સુરક્ષાની જવાબદારી સંભાળશે. જેમાં પોલીસ અને સેનાના સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
– સીન નદી પર યોજાનાર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 30 હજાર પોલીસ અધિકારીઓ ઉપરાંત 45 હજાર સશસ્ત્ર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
– 18 હજાર આર્મી જવાનો ઉપરાંત સેંકડો ડ્રોન પણ પેરિસના દરેક ખૂણે-ખૂણે સુરક્ષા પૂરી પાડશે.