January 5, 2025

શંભુ બોર્ડર બ્લોક કરવા મામલે હરિયાણા સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ

Supreme Court: શંભુ બોર્ડર ખોલવાને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર હાઈવે પર ટ્રાફિક કેવી રીતે રોકી શકે? સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને સવાલ કર્યો છે કે રાજ્ય સરકાર હાઈવે પર ટ્રાફિક કેવી રીતે રોકી શકે? રાજ્ય સરકારનું કામ છે કે તે ટ્રાફિકને નિયંત્રિત કરે. અમારું કહેવું છે કે બોર્ડર ખુલ્લી રાખો અને સાથે સાથે નિયંત્રણ પણ રાખો. આખરે, રાજ્ય સરકાર બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશને કેમ પડકારવા માંગે છે?

જસ્ટિસ કાંતે હરિયાણા સરકારને આ મામલે એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતો પણ દેશના નાગરિક છે, તેમને પણ સુવિધાઓની જરૂર છે. તેમને ભોજન અને સારી તબીબી સુવિધાઓ પણ આપવી જોઈએ. તેઓ આવશે, સૂત્રોચ્ચાર કરશે અને પાછા જશે.

શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રસ્તો ખોલવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી શુક્રવારે સુનાવણી કરશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે શંભુ બોર્ડરને ફરીથી ખોલવાના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે આ વાત કહી. વાસ્તવમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા 22 વર્ષના યુવકના મોતની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.