December 21, 2024

ગુજરાત પોલીસની વાનમાં ‘મહેફિલ’, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

અમદાવાદઃ શહેરમાં અવારનવાર એવી ઘટના બનતી હોય છે કે જેમાં આરોપી ખુલ્લેઆમ પોલીસને જાણે ચેતવણી આપતા હોય તેવું લાગતું હોય છે. તેવી જ વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં ગુજરાત પોલીસની PCR વાનમાં ખુલ્લેઆમ બિયર પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયો ગુજરાત પોલીસની ઇજ્જતનાં ધજાગરાં ઉડાડી રહ્યું છે. જાણે તંત્રની કોઈને બીક જ રહી નથી. તેમ આરોપીઓ હવે ખુલ્લેઆમ આ પ્રકારના વીડિયો બનાવી રહ્યા છે અને સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવવામાં આવ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હત્યાના ગુનાનો આરોપી બિયર પીતો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ વાન ક્યાંની છે અને આરોપી કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ કેપિટલ ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.