December 22, 2024

જામનગરમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, સૌથી વધુ મગફળીનું વાવેતર

સંજય વાઘેલા, જામનગર: જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદના કારણે ખેડુતોએ વાવણીના હળ જોડી દીધા છે અને વાવણી કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જામનગર દરિયાકાંઠે આવેલો જિલ્લો હોવાથી અન્ય જિલ્લાઓ કરતા જામનગર જિલ્લાની જમીન અલગ પ્રકારની છે. આથી જમીન પ્રમાણે ખેડૂતો એ પ્રમાણે વાવેતર કરે છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ મગફળીના પાક પર વિશ્વાસ મુક્યો છે.

જામનગર જિલ્લાના ખેડુતોએ કુલ 2,80,972 હેક્ટર જમીનમાં વાવણી કરી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું 1,64,307 હેકટરમાં તો કપાસનું 1,08,469 હેકટર જમીનમાં વાવેતર થયું છે. આ વર્ષે ખેડુતોએ વાવેતરની પેટર્ન બદલી હોય તેમ મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. તો કઠોળના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. ચાલુ વર્ષે 2024માં ખેડુતોએ વાવેતરની પેટર્ન બદલી હોય તેમ સૌથી વધુ મગફળીનું 1,64,307 હેકટરમાં અને કપાસનું 1,08,469 હેકટરમાં વાવેતર થયું છે.

ચોમાસુ પાકના વાવેતરના આંકડા જોઈએ તો વર્ષ 2022માં સૌથી વધુ કપાસનું 1,59,019 હેકટરમાં અને મગફળીનું 1,54,349 હેકટરમાં તો વર્ષ 2023માં કપાનું 1,77,954 હેકટરમાં અને મગફળીનું 1,44,501 હેકટરમાં વાવેતર થયું હતું. ત્યારે જ્યારે અન્ય વાવેતરની વાત કરીએ તો તેમાં મોટો ઘટાડો થયો છે. તુવેરનું 49. મગનું 49, અડદનું 66, તલનું 59, સોયાબીનનું – 4779, ગુવારનું 5, શાકભાજીનું 984, પાસચારો 2205 હેક્ટરમાં વાવેતર થયું છે. અન્ય ધાન્યમાં ધરખમ વાવેતરમાં ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષથી યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વાવણીની પેટર્ન બદલી છે. જામનગર જિલ્લાની મગફળીની ડિમાન્ડ પણ સારી રહે છે અને તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, આથી ખેડૂતોએ કપાસની ઓછું વાવેતર કર્યું છે. તો મગફળી બાદ જીરુંનો પાક પણ લઈ શકાતો હોવાથી ખેડૂતોએ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છે. હાલ જામનગર જિલ્લાના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ સારો રહ્યો તો જિલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન થવાની શક્યતાઓ છે.