BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની AIIMSમાં દાખલ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અડવાણીને બુધવારે રાત્રે 10 વાગ્યે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પેશાબમાં પણ સમસ્યા હોવાનું કહેવાય છે. તેમને સ્ટ્રેચર પર એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. યુરોલોજી વિભાગના ડૉક્ટરની દેખરેખ હેઠળ તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
અડવાણીને આ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યો છે
લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે 30 માર્ચે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
1927માં કરાચીમાં જન્મેલા અડવાણી 1942માં સ્વયંસેવક તરીકે સંઘમાં જોડાયા હતા. તેઓ 1986 થી 1990, પછી 1993 થી 98 અને 2004 થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ દેશના ગૃહમંત્રી અને અટલ સરકારમાં નાયબ વડાપ્રધાન પણ હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
દેશમાં તેઓ રામમંદિર આંદોલનના નેતા તરીકે ઓળખાય છે. 1990ના દાયકામાં તેમના પ્રચારના કારણે દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધ્યો અને બહુ જલ્દી પાર્ટીના લોકસભા સાંસદોની સંખ્યા વધવા લાગી. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. 2014માં પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપે 2019માં પણ બહુમતીનું પુનરાવર્તન કર્યું.