July 2, 2024

હવામાન વિભાગની નવી આગાહી, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, કચ્છ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ વરસાદની આગાહી કરતા જણાવે છે કે, ‘ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.’

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

ભાવનગરમાં NDRF ટીમ તહેનાત
ભાવનગરમાં NDRFના 30થી વધુ જવાનો સાધનો સાથે પહોંચી ગયા છે. જિલ્લામાં ગમે ત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ તો અહીંથી ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં NDRFની ટીમ તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ દ્વારકામાં બંદરો પર લાંગરેલી બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના

દ્વારકામાં પણ NDRF ટીમ તહેનાત
દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં ટીમ નીચાણવાળા વિસ્તારમાં ખાસ સ્ટેન્ડ બાય રહેશે.

માછીમારોને બોટ ખસેડવાની સૂચના
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓખામંડળમાં આવેલા બંદરો પર રહેલી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી છે. ત્યારે આગાહીને પગલે ઓખા-દ્વારકા બંદરો પરની માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓખાના ડાલડા બંદર અને દ્વારકાના રૂપેણ બંદર પર લાંગરેલી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહી છે.