કુતિયાણામાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ, હાઇવે પર ભરાયા પાણી
સિદ્ધાર્થ બુધદેવ, પોરબંદર: પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદને પગલે ચો તરફ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ધોધમાર આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે વરસાદના પગલે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાતા લોકોએ અધવચ્ચે વાહનો રોકવા પડ્યા છે. આમ છતાં કેટલાક લોકો જીવન જોખમે રસ્તા પર પોતાના વાહનો લઈ જઈ રહ્યા છે.
લોકો જીવન જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હોવાની માહિતીને પગલે કુતિયાણા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જોખમી રીતે વાહન પસાર કરતા લોકોને રોકવામાં આવ્યા હતા. જૂનાગઢ પોરબંદર હાઇવે સરાડીયા નજીક પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.