January 3, 2025

અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી, શામળાજી મંદિર ફૂલોથી શણગાર્યું

અમદાવાદઃ જેઠ મહિનાની પૂનમને લઈને ગુજરાતના મોટાભાગના યાત્રાધામોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે હૃદયપીઠ સમા અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો લાઇનોમાં ઉભા રહી ગયા છે. તો શામળાજી મંદિરને પૂનમને લઈને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તો ઉમટી પડ્યા છે. જેઠ મહિનાની પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂનમના દિવસનું વિશેષ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઇનોમાં જોડાયાં છે. ત્યારે સમગ્ર મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

તો બીજી તરફ, બનાસકાંઠામાં આવેલી શક્તિપીઠ અંબાજીમાં પણ પૂનમને લઈને ભક્તોની ભીડ ઉમટી પડી છે. મોટી સંખ્યામાં માઇભક્તો ભગવતી અંબાજીના દર્શને પહોંચ્યા છે. હજારો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે ચાચર ચોક સહિત મંદિર પરિસર ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ માઇભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે.