January 15, 2025

પોરબંદરની આંગણવાડી જર્જરિત, પીઢિયા નબળા-છૂટ્ટા વાયરો; જવાબદાર કોણ?

પોરબંદરઃ શાળાઓ ચાલુ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં હજુ ઘણી શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક હોય અથવા બે ધોરણના બાળકો એક જ ક્લાસમાં બેસવા માટે મજબૂર બન્યા હોય. તો વળી, ઘણી શાળાઓ એવી હોય છે કે, જેની હાલત જર્જરિત થઈ ગઈ હોય છે અને તે છતાં ત્યાં શિક્ષણકાર્ય ચાલુ રાખવું પડે છે. પોરબંદરના ઠક્કર પ્લોટમાં આવેલી આંગણવાડી આવી જ જર્જરિત હાલતમાં છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતીએ શાળામાં જઈને રિયાલિટી ચેક કર્યું હતું.

રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઠક્કર પ્લોટમાં આવેલી આંગણવાડીમાં 15 બાય 15ના રૂમમાં 64 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. જેમાં પીજીવીસીએલના વાયરો પણ ડાયરેક્ટ કનેક્શન મળી આવ્યું હતું. બિલ્ડિંગ જર્જરીત હોવાથી ગમે ત્યારે દુર્ઘટના બને તેવી શક્યતા છે.

જર્જરીત બિલ્ડિંગમાં પોપડા ખરી પડ્યાં છે. પાણી પડે છે. પીઢિયા નબળા પડી ગયા છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. તે છતાં બાળકો આવી બિલ્ડિંગમાં ભણવા માટે મજબૂર બન્યા છે. મહત્વનું છે કે, આ બિલ્ડિંગ ગમે ત્યારે પડે તો જવાબદારી કોની.

આ આંગણવાડીના અધિકારીઓ 64 બાળકોની જિંદગી જોખમમાં મૂકતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.