24 કલાકમાં અમેરિકન જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી બે હુમલા
હાલના સમયમાં લાલ સાગરમાં થયેલા હુલમાને કારણે હુથી બળવાખોરો અને યુએસ-યુકેની સેના એકબીજા પર એટેક કરી રહ્યાં છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અમેરિકી સેનાએ યમનની રાજધાની સના શહેરમાં હુથી બળવાખોરોની અનેક જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી બોમ્બમારો કર્યો હતો. અમેરિકા અને બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુથી બળવાખોરો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. લાલ સાગરમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે. હકીકતમાં આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાના ઈરાદાથી યમનના હુથી બળવાખોરોએ ત્યાંના જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેની સામે અમેરિકી અને બ્રિટિશ સેનાએ સાથે મળીને હુથી બળવાખોરોના સ્થળો પર હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલાનો બદલો લેવા માટે યમનના હુથી બળવાખોરોએ અમેરિક સેનાની સામે જવાબી કાર્યવાહી કરી દીધી છે. યમનના હુથી બળવાખોરોએ લાલ સાગરમાં છેલ્લા 24 કલાકમાં અમેરિકન જહાજને નિશાન બનાવીને એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલ છોડી દીધી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે હુથી બળવાખોરોએ યમનના દરિયાકાંઠે એડનની ખાડીમાં યુએસ માલિકીના કન્ટેનર જહાજ પર એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. સોમવારે યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોઈ ઈજા કે નુકસાન થયું નથી. વધુમાં જણાવ્યું કે જહાજ જીબ્રાલ્ટર ઇગલએ તેની યાત્રા ચાલુ રાખી છે. હુથી સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેના દ્વારા માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં અને આપણા દેશ પર અમેરિકન-બ્રિટિશ હુમલાના જવાબમાં હુથી બળવાખોરોએ ઘણી નૌકાદળ મિસાઇલોની મદદથી એડનની ખાડીમાં અમેરિકી જહાજને નિશાન બનાવીને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં કહ્યું કે અમારા દેશ સામે આક્રમણમાં રોકાયેલા તમામ અમેરિકન અને બ્રિટિશ જહાજો અને યુદ્ધ જહાજોને પ્રતિકૂળ લક્ષ્યો ગણવામાં આવશે.
આ પણ વાંચો : ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એજન્સીએ જહાજની ઓળખ કર્યા વિના જણાવ્યું હતું કે એડની ખાડીમાં 95 નોટિકલ માઇલ એક જહાજ પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુથી બળવાખોરોએ ત્રણ મિસાઇલો છોડી હતી. જેમાંથી બે સમુદ્રમાં પડી હતી અને ત્રીજી જહાજ પર ત્રાટકી હતી. જોકે, હુમલાથી જહાજને નુકસાન થયું ન હતું અને તે તેની સફર પૂર્ણ કરી રહ્યું હતું. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજ પર હુથી બળવાખોરો દ્વારા હુમલો લાલ સાગરમાં યુએસ ડિસ્ટ્રોયર પર એન્ટી-શિપ ક્રુઝ મિસાઇલ લોન્ચ કર્યાના 24 કલાકની અંદર બીજી વખત અમેરિકન જહાજ પર હુમલો કર્યો છે. નોંધયની છે કે રવિવારે હુથી બળવાખોરોએ લાલ સાગરમાં એક અમેરિકન જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેને અમેરિકન ફાઇટર પ્લેન દ્વારા તોડી પાડવામાં આવ્યો. બીજી બાજુ ગાઝા પટ્ટીમાં હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે વૈશ્વિક સ્તરે શિપિંગ હિલચાલને અસર કરતા તાજેતરના હુમલાઓ થયા છે. યુએસ અને બ્રિટન સાથે મળીને શુક્રવારે બળવાખોરો પર એક ડઝનથી વધુ હુમલાઓ શરૂ કર્યા હતા.