January 5, 2025

આર્થિક સંકડામણમાં જીવન ટૂંકાવનાર મહીસાગરના બિલ્ડરના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ

મૃગરજસિંહ પુંવાર (મહીસાગર): મહીસાગર જિલ્લાના વતની અને ખેડા જિલ્લામાં આર્થિક સંકડામણમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર કનુભાઈ પટેલને ન્યાય અપાવવા જિલ્લાનો પાટીદાર સમાજ આગળ આવ્યો છે. સંતરામપુર ખાતે યોજાયેલ મૃતકના બેસણામાં મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપતા જવાબદારોને કડક સજા કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ખેડા જિલ્લાના કપડવંજના ઘડિયા ગામ ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર કનુભાઈ પટેલ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના થાભા ગામના વતની છે. કનુભાઈ સોમાભાઈ પટેલે આર્થિક સંકડામણમાં આવીને ઝાડ ઉપર લટકી ગાળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. જેના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો સાથે સાથે સમગ્ર પાટીદાર સમાજ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે, કનુભાઈ પટેલ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં અનેક અધિકારીઓ તેમજ બિલ્ડરના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આત્મહત્યા કર્યાને 4 દિવસ બાદ આજ રોજ સંતરામપુરના થાંભા ગામ ખાતે કનુભાઈ સોમાભાઈ પટેલના બેસણામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા અને કનુભાઈ પટેલને ન્યાય અપાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓ દ્વારા બેસણામાં કનુભાઈ પટેલની આત્મહત્યા એળે નહીં જવા દેવામાં આવે અને ગમે તેવો ચમરબંધી કેમ ન હોય તેને માફ નહી કરવામાં આવે. તેમજ ફરિયાદ દાખલ કરવાથી લઈને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહીસાગર પાટીદાર સમાજ કનુભાઈને ન્યાય અપાવવા માટે છેલ્લે સુધી લડત આપવાનો પાટીદાર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહીસાગર જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડાની સાથે સાથે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે આવતીકાલે મુલાકાત કરીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલ તો પાટીદાર સમાજ એકઠો થઈ ઠરાવ કરી સમગ્ર પાટીદાર કનુભાઈ સાથે રહી આરોપીઓ કોઈપણ હોય તેઓને કડકમાં કડક સજા અપાવવાનો નિર્ધાર કર્યો છે.

તો બીજી બાજુ, મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ બિલના ચૂકવતા આર્થિક સંકળામણનો ભોગ બનનાર કનુભાઈને આત્મહત્યા કરવા મજબૂર થવા માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીને આવેદનપત્ર આપી તેમની તપાસ કરવા પણ માંગ કરવામાં આવી છે.

તો બીજી બાજુ, મહીસાગર જિલ્લાના સમસ્ત પાટીદાર સમાજના લોકો એકત્રિત થઈને મહીસાગર જિલ્લા કલેકટર ખાતે જઈને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કરશે. બીજી તરફ તેમને મળવા માટે મજબૂર કરેલા કપડવંજના કાર્યપાલક ઇજનેર જીગર કડિયા તેમજ એસો ગુપ્તા સામે કડકમાં કડક અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ શ્રી રામ બિલ્ડર્સના હોદ્દેદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને પણ જેલના સળિયા પાછળ ધકેલવા માટે પાટીદાર સમાજના તમામ બંધુઓએ ખભેથી ખભો મિલાવ્યો છે.

ત્યારે આજે કપડવંજ ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવશે અને ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી તપાસ કરવા માટે રાજ્ય સરકારને આવેદનપત્ર પણ આપી રજૂઆત કરવામાં આવશે. ત્યારે, જિલ્લા સહિતના તમામ પાટીદાર સમાજના આગેવાનોએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી આજે સુસાઈડ નોટ માં દર્શાવવામાં આવેલ નામો સામે ફરિયાદ આજે કરવામાં આવશે તેવું જણાવ્યું છે.