December 26, 2024

લંપટ સ્વામીઓનો સુરતમાં વિરોધ, મહિલાએ કહ્યું – આવા સાધુઓને દૂર કરો

અમિત રુપાપરા, સુરતઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વીડિયો વાયરલ થયા બાદ હવે હરિભક્તોમાં રોષ લાગણી જોવા મળી રહી છે. ત્યારે નૌતમ સ્વામી અને તેમના સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માગણી હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. આ માગણી સાથે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ મહિલાઓ કલેક્ટર કચેરીએ એકઠાં થયા હતા અને આવા સાધુઓની સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. હરિભક્તોનો આક્ષેપ છે કે, સ્વામીઓ શિક્ષાપત્રીના નિયમો ભૂલીને પોતાની મનમાની કરી રહ્યા છે. મહિલાઓને સાથે રાખી રહ્યા છે અને પ્રોપર્ટી ભેગી કરવાનું કામ કરી રહ્યા છે. એટલે આવા સ્વામીઓને દૂર કરીને સંપ્રદાયને શુદ્ધ કરવામાં આવે.

સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ મહિલાઓ પણ જોડાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સેક્સ કાંડના વીડિયો સામે આવ્યા બાદ હરિભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. નૌતમ સ્વામી સહિત 150 જેટલા સ્વામીઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માગણી હરિભક્તો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વીડિયો કોલ કર્યો

સુરતના હરિભક્તો દ્વારા માગણી કરવામાં આવી છે કે, પ્રાઇવેટ સંસ્થાની જેમ હાલ સ્વામિનારાયણ સંપ્રદાયને ચલાવવામાં આવી રહ્યો છે. નૌતમ સ્વામીની આગેવાની હેઠળ આ તમામ કૃત્યો થઈ રહ્યા છે. તેથી નૌતમ સ્વામી સહિતના સંતોને દૂર કરવામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયને શુદ્ધ કરવામાં આવે.

વિરોધ કરનારા મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયના જે સ્વામીઓ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવાનું કૃત્ય કરી રહ્યા છે. કેટલાક સાધુઓ પોતાની સાથે રાખી રહ્યા છે. કેટલાક સાધુ પ્રોપર્ટી એકઠી કરવાનું કામ કરી રહ્યા છે. સાધુ-સંતો માતા પિતા, ઘરબાર અને સંસારને છોડીને ભક્તિ કરવા માટે આવે છે. તો તેમને આ પ્રોપર્ટીનું શું કરવાનું છે. શિક્ષાપત્રીમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ સાધુ પ્રોપર્ટી ભેગી કરવાનો મોહ ધરાવતો હોય તો તેને 100 ગાયની હત્યા કર્યા જેટલું પાપ લાગે છે. એટલા માટે જ આવા સાધુઓને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કરવા જોઈએ. 150 જેટલા સાધુઓ હાલ સુધી અમારા ધ્યાન પર આવ્યા છે. પરંતુ હજુ ઘણા આવા સાધુઓ છે કે જેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કરીને સંપ્રદાયને શુદ્ધ કરવો જોઈએ.