December 22, 2024

લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વીડિયો કોલ કર્યો

અમદાવાદઃ લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો વીડિયો કોલ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાકિસ્તાનમાં બેઠેલા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આ મામલે વિવાદ સર્જાયો છે.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાનના માફિયા ડોન શહઝાગ ભટ્ટી સાથે વાત કરી રહ્યો છે અને તેને બકરીઇદની શુભકામના આપી રહ્યો છે. આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંધ છે.

લોરેન્સ બિશ્નોઈ અંગે DYSP પરેશ સોલંકીની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ વીડિયો અમારા મોબાઈલ પર પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો. ગત ઓગસ્ટ 2023થી લોરેન્સ બિશ્નોઈ અમારી જેલમાં છે. પ્રતિબંધિત વસ્તુ તેને કોઈ વસ્તુ પ્રોવાઇડ કરવામાં આવતી નથી અને વારંવાર ચેકીંગ કરવામાં આવે છે. ઈદ વર્ષમાં 3 વખત આવે છે એટલે આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ થયો છે તેની તપાસ ચાલુ છે. બધી એજન્સી હાલ આ અંગે તપાસ કરી રહી છે તેની તપાસ ચાલુ છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘AI જનરેટ વીડિયો હોય તેમ લાગી રહ્યું છે. સેન્ટ્રલ જેલમાં અગાઉ પણ તપાસ કરવા આવી હતી. ચેકીંગની રૂટીન પ્રક્રિયા છે. લોરેન્સ બિશ્નોઈમાં ATS અને સેન્ટ્રલ જેલનો જાપ્તો છે. એટલે મોબાઈલ હોય તેમ લાગતું નથી. લોરેન્સને 10 નંબરના રૂમમાં રાખવામાં આવ્યો છે.’