December 13, 2024

તળાજાના છેવાડાના ગામડાને નથી મળતું પિયતનું પાણી, બંધારો બાંધવાની યોજના માત્ર કાગળ પર

ભાવનગરઃ જિલ્લ્લાના તળાજા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં ખેતીના પાક લેવા માટે પિયતનાં પાણીની સમસ્યા માટે આસપાસના મેથળા, તલ્લી, ભાંભોર, કોટડા, દાઠા, મધુવન મળી કુલ 12 જેટલા ગામો દ્વારા મેથળામાં પાણી માટે બંધારાનાં નિર્માણ માટે ગામલોકો દ્વારા પોતાના સ્વખર્ચે અંદાજીત 50 લાખ રૂપિયાના ખર્ચે 90 દિવસમાં વર્ષ 2018માં બંધારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંધારાના કારણે 12 ગામના ખેડૂતો ખેતીની ઉપજમાં સારો એવો લાભ લેતા સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને પાકો બંધારો બાંધવા માટેની કાર્યવાહી કરવાની માત્ર વાતો કરતા ખેડૂતોમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

તળાજા તાલુકામાં આવેલા મેથળા ગામે વર્ષ 2018માં તળાજા તાલુકાના મેથળા, તલ્લી, ભાંભોર, કોટડા, દાઠા, મધુવન મળી કુલ 12 ગામના અંદાજિત 15થી 20 હજાર ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન પડતા વરસાદમાં દરિયામાં વહી જતા પાણીને સંગ્રહ કરવા માટે એક બંધારાનું નિર્માણ કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા બંધારો બાંધવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા 12 ગામના ખેડૂતો દ્વારા બંધારાનું નિર્માણ કરવા માટે સ્વખર્ચે બંધારો બાંધવાનું નક્કી કરી મેથળામાં મેથળા બંધારા સમિતિની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, મેઘરાજા કરશે તોફાની બેટિંગ

મેથળામાં બંધારો બાંધવા માટે 12 ગામલોકો દ્વારા અંદાજીત 50 લાખ રૂપિયા એકત્રિત કરી સ્વખર્ચે જાત મહેનતે બંધારો બાંધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018માં ચોમાસાની સિઝનની શરૂઆત પહેલાં માત્ર 90 દિવસ એટલે કે માત્ર 3 મહિનાના સમયમાં બંધારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ પડતા મેથળા બંધારો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા તળાજા તાલુકાના છેવાડાના 12 જેટલા ગામોના ખેડૂતોને ખેતીનાં પાકો લેવા માટે પિયતનું પાણી મળી રહેતા ખેતીમાં સારી ઉપજ મળતા બંધારાને ભગવાન માનવામાં આવ્યો હતો. બંધારાનાં કારણે તળાજા તેમજ મહુવા તાલુકાન છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા હલ થતા સરકાર દ્વારા પાકો બંધારો બાંધવા માટેની કાર્યવાહી કરવા જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા 5 વર્ષથી મેથળામાં પાકો બંધારો બાંધવા માટે લડત આપી બંધારો બાંધવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. મેથળામાં હાલ ચોમાસાની સિઝનમાં પાણી સંગ્રહ માટે બંધારામાં નાના મોટા નુકસાનીની માટે જાત મહેનતે રીપેર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંધારા બાબતે ખેડૂતોએ સરકાર સામે રોષ સાથે જણાવ્યુ હતુ કે, છેલ્લા 5 વર્ષ ત્રણ-ત્રણ મુખ્ય મંત્રીઓ આવી ગયા તે બાદ પણ પાકો અને મજબુત બંધારો બાંધવાની કાર્યવાહી માત્ર વાતો જ કરવામાં આવતી હોય તેવા માત્ર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા બંધારા માટે રાજ્યસભામાં પણ મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી રહી?

મેથળામાં જાતમહેનતે બાંધવામાં આવેલા બંધારાને સરકાર દ્વારા બંધારો બાંધી આપવા બાબતે તળાજા તાલુકાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દ્વારા જણાવ્યુ હતુ કે, મેથળામાં બંધારા માટે સરકાર દ્વારા જરૂરી જમીન સંપાદનની પક્રિયા ઘણીખરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ કેટલીક જમીન વનવિભાગમાં આવતી હોવાથી પ્રક્રિયા પૂર્ણ થતા જ બંધારાનાં નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે, સરકાર દ્વારા રાજ્યભરમાં છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ગામલોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં પણ વર્ષોનાં વર્ષ વીતવા છતાં પણ માત્ર ખાતમુહૂર્તની વાતો કરી આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર બંધારો ક્યારે બનાવી આપશે અને છેવાડાના ગામના ખેડૂતોને ક્યારે પાકો બંધારો મળશે એ એક સવાલ છે.