December 24, 2024

Breaking News : રાજસ્થાનના સીકરમાં ભયાનક અકસ્માતમાં 6ના મોત, 5 ઘાયલ

RAJASTHAN - NEWSCAPITAL

રાજસ્થાનના સીકરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. લક્ષ્મણગઢ તાલુકામાં હાઈ-વે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. બંને કાર વચ્ચે અથડામણ એટલી ભીષણ હતી કે બંને કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘાયલોને પહેલા હોસ્પિટલ લઈ ગયા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

પોલીસને 2 ઓળખ પત્રો મળી આવ્યા 

લક્ષ્મણગઢના ડીએસપીએ કહ્યું કે, તેમને માહિતી મળી હતી કે તાલુકાના હાઈવે પર બે વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ ગયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા, જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં જે લોકોનું મોત નીપજ્યું છે તે લોકોની ઓળખ મેળવવામાં આવી રહી છે. પોલીસે અકસ્માતમાં સામેલ કારમાંથી બે ઓળખ કાર્ડ કબજે કર્યા છે, જેમાંથી એક મૌલાસર જિલ્લાના નાગૌરનો રહેવાસી છે અને બીજો સીકર જિલ્લાનો રહેવાસી છે.

આ પણ વાંચો : અંજારની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં વિસ્ફોટ થતાં એકનું મોત, 8થી વધુ ઇજાગ્રસ્ત

મુખ્યમંત્રીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું  

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માએ એક્સ પર ટ્વિટ કરી અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત તેમણે અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારી સારવાર માટે પણ સૂચના આપી છે. વધુમાં તેમણે ભગવાન શ્રી રામને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરી હતી.