January 15, 2025

RSS-BJP વચ્ચેનો વિવાદ સપાટી પર, Indresh Kumar કહ્યુ – અહંકારીઓને 241એ રોક્યાં

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજો અને આરએસએસ વચ્ચેનો મતભેદ હવે સપાટી પર આવી ગયો છે. સરસંઘચાલક મોહન ભાગવત પછી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, ‘જે અહંકારી થઈ ગયા છે, તેમને 241 પર રોકી દીધા છે. જેમની રામની પ્રત્યે આસ્થા નહોતી, અશ્રદ્ધા હતી. તે બધાને ભેગા કરીને 234 પર રોકી દીધા છે.’

ઈન્દ્રેશ કુમારે ગુરુવારે જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાંખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમને જે સંપૂર્ણ અધિકાર અને સત્તા મળવી જોઈએ તે ભગવાને અહંકારને કારણે આપી નહીં.’

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 5 લોકોનાં મોત, 19 ઘાયલ

તેમણે કહ્યુ હતુ કે, રામનો વિરોધ કરનારાઓને કોઈ સત્તા આપવામાં આવી નથી. બધા મળીને (INDI ગઠબંધન) પણ નંબર-1 ન બન્યા, પરંતુ નંબર-2 પર ઊભા રહ્યા. તેથી ભગવાનનો ન્યાય વિચિત્ર નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેમણે કહ્યુ હતુ કે, જે પક્ષમાં ભક્તિ હતી, પરંતુ અહંકાર વધ્યો હતો. તેને 241 નંબરે સિમિત કરી દીધો હતો. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, અશ્રદ્ધા હતી. તે બધાને ભેગા કરીને 234 પર રોકી દીધા હતા. આ તમારી અનાસ્થાની સજા છે, તમે સફળ નહીં થઈ શકો.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની સંસદમાં ભારતીય ચૂંટણીના વખાણ, સાંસદે કહ્યું – અહીં ક્યારે આ રીતે ચૂંટણી થશે?

અયોધ્યામાં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહની હાર અંગે ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, જે રામની પૂજા કરે છે અને પછી અહંકારી બને છે, જે રામનો વિરોધ કરે છે તેનું કલ્યાણ આપોઆપ થઈ જાય છે. જ્યારે લલ્લુ સિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે, પાંચ વર્ષ આરામ કરો, આગામી સમયમાં જોઈશું.

અગાઉ મોહન ભાગવતે આ વાત કહી હતી
નોંધનીય છે કે, આ પહેલા સરસંઘના નેતા મોહન ભાગવતે પણ 10 જૂને નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન વખતે ભાજપની ટોચની નેતાગીરી પર નિશાન સાધ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, જે વ્યક્તિ ગરિમાને અનુસરીને કામ કરે છે, અભિમાન કરે છે, પણ ભોગવિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તેને જ સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જુઠ્ઠાણા પર આધારિત ન હોવી જોઈએ.