December 14, 2024

Suratમાં વાલીઓ પાસેથી સોગંદનામા લખાવતા વિવાદ, કહ્યું – જવાબદારી સ્કૂલ-સ્કૂલવાનચાલકોની જ…

અમિત રુપાપરા, સુરતઃ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે સોગંદનામુ લખાવવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓને મોબાઇલમાં પીડીએફ મોકલી ફાયર સેફટીથી લઈ બાળકોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તે પ્રકારની બાંહેધરી લખાવવામાં આવી રહી છે. જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાલીઓ દ્વારા શાળા અને સ્કૂલ વાન સંચાલકોને ફી ચૂકવવામાં આવે છે તો જવાબદારી શાળા-સંચાલકો અને સ્કૂલવાન ચાલકોની પણ નક્કી થવી જરૂરી છે.

હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. આવતીકાલથી શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે. જો કે, શાળાઓ શરૂ થાય તે પહેલાં શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદનામુ લખાવી રહ્યા છે. કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને મોબાઇલ પર સોગંદનામાની પીડીએફ મોકલવામાં આવી રહી છે. જે પીડીએફમાં વાલીઓ બાળકોને જ્યારે સ્કૂલ વાન અને શાળાએ મોકલે છે, ત્યારે સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તેવી બાંહેધરી લખાવવામાં આવી રહી છે. વાલીઓને મોકલવામાં આવેલી પીડીએફમાં લખવામાં આવ્યું છે કે, મારું બાળક જે શાળાની સ્કૂલવાનમાં જઈ રહ્યું છે, તે સ્કૂલવાન સંપૂર્ણ ચકાસી લીધી છે. મારા બાળકની સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.

આ પણ વાંચોઃ સુરતમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP-બજરંગ દળ મેદાને, ઉગ્ર આંદોલનની ચીમકી

આ પ્રકારનું લખાણ સોગંદનામાના લખાવવામાં આવી રહ્યું છે. જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે. વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે, તેઓ શાળા અને સ્કૂલ વાનચાલકોને અભ્યાસ અને બાળકોને લઈ જવા લાવવા માટેની ફી ચૂકવે છે, તો બાળકોની જવાબદારી પણ તેઓની રહેલી છે. જેથી વાલીઓની સાથે સાથે સ્કૂલ વાનચાલકો અને શાળાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદનામુ લખાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જે બિલકુલ પણ યોગ્ય નથી.