December 15, 2024

Suratમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP-બજરંગ દળ મેદાને, ઉગ્ર આંદોલનની ચીમકી

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં હાલ ચાલી રહેલી મેટ્રો અને ઓવરબ્રિજની કામગીરીના પગલે નડતરરૂપ મંદિરોના ડિમોલિશન માટે પાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી રહી છે. આ નોટિસનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાનમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત શહેર દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં સનાતન ધર્મના સંતો પણ જોડાયા હતા અને જો હિંદુ મંદિરોનું ડિમોલિશન થશે તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આજરોજ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા પાલિકા દ્વારા મંદિરોના ડિમોલિશન માટે પાઠવવામાં આવેલી નોટિસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં મોરચો લઈ આવેલા વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના આગેવાન અને કાર્યકરોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યકત કર્યો છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં પરિષદના આગેવાન અને કાર્યકરોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવ અને વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીએ હાથમાં બેનરો સાથે દેખાવ કરી નોટિસ સામે ભારે રોષ વ્યકત કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ, સતત ચોથા દિવસે કરોડોનું ચરસ ઝડપાયું

વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં વિકાસના નામે તઘલખી નિર્ણય લઈ હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મેટ્રો અને ફ્લાય ઓવરબ્રિજની કામગીરીના બહાને હિંદુ મંદિરોને નોટિસ પાઠવવામાં આવી છે. જે કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે. શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ગેરકાયદેસર રીતે અન્ય દબાણો પણ કરવામાં આવ્યા છે. આ દબાણો હટાવવાના બદલે પાલિકા હિંદુ મંદિરોને નિશાન બનાવી રહી છે. જો પાલિકા તંત્ર દ્વારા આ મંદિરોનું ડિમોલિશન કરવામાં આવશે તો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. આ અંગે આજ રોજ જિલ્લા કલેક્ટર અને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.