December 26, 2024

Kangana Ranautને પડેલા થપ્પડ પર Sanjay Rautનો વ્યંગ્ય- કેટલાક વોટ આપે છે તો કેટલાક થપ્પડ

Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલના મંડી લોકસભા બેઠકથી સાંસદ બનેલી કંગના રનૌત પર ગુરૂવારે ચંદીગઢ એરપોર્ટ પર હુમલો થયો હતો. સીઆઇએસએફની એક મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી દીધો હતો. જેના પછી કંગના રનૌત અને તેના સ્ટાફે ફરિયાદ કરી તો તેની અટકાયત કરવામાં આવી અને હાલમાં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પૂછપરછમાં કુલવિંદર કૌરનું કહેવું છે કે, તે ખેડૂત આંદોલન દરમિયાન આપવામાં આવેલા કંગનાના નિવેદનથી આહત હતી. હવે તેને લઈ રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. ઉદ્ધવ સેનાના નેતા સંજય રાઉતે આ ઘટનાને લઈ વ્યંગ કર્યો છે.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કેટલાક લોકો વોટ આપે છે, કેટલાક થપ્પડ આપે છે. મને ખરેખરમાં તે ખબર નથી કે શું થયું. હું આ મામલે જોઇશ અને પછી વાત કરીશ. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોન્સ્ટેબલે કંગનાના નિવેદનનો હવાલો આપતા હુમલાની વાત કરી છે તો તેમણે કહ્યું કે તે આહત થઇ શકે છે. છતા એક સાંસદ પર હાથ ન ઉઠાવી શકાય. સંજય રાઉતે કહ્યું,‘જો કોન્સ્ટેબલનું આવું કહેવું છે કે તેની માતા ખેડૂત આંદોલનમાં બેઠી હતી અને તેમના વિશે કંગનાની ટિપ્પણીથી તે આહત હતી. તેમણે કહ્યું કે, ભારત માતા પણ તેની માતા છે. ત્યાં બેઠેલી છોકરીઓ અને મહિલાઓ પણ ભારતમાતાનું જ સ્વરૂપ છે.’

સંજય રાઉતે કહ્યું કે, અમને કંગના રનૌત સાથે હમદર્દી છે. અમે તેની સાથે છીએ પણ આ ઘટના જણાવે છે કે, કેવી રીતે હજુ પણ ખેડૂત આંદોલનને લઇ લોકોમાં ગુસ્સો છે. કંગના રનૌતે મુંબઇને પણ પાકિસ્તાન ગણાવ્યું હતું અને તેની આ વાતથી લોકો નારાજ હતા. નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દરમિયાન કંગના રનૌત ખુબ જ હુમલાવર હતી. સરકાર સાથે તેનો વિરોધાભાષ પણ જોવા મળ્યો હતો. માત્ર આટલું જ નહીં શિવસેનાના નેતૃત્વવાળી બીએમસી એ તેના ઘરમાં અતિક્રમણનું જણાવી તેનો એક ભાગ પણ પાડી દીધો હતો. કદાચ તેનો જ ઉલ્લેખ કરતા સંજય રાઉતે કંગના પર હુમલો કર્યો અને કહ્યું કે તે મુંબઇને પણ પાકિસ્તાન ગણાવી ચુકી છે.