ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ

Ebrahim Raisi Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ઈરાનના અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ (હાર્ડ લેન્ડિંગ)નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના નાણા મંત્રી આમિર અબ્દોલ્હિયન પણ કાફલાના હેલિકોપ્ટરમાં સવાર છે. ઈરાની મીડિયા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા અને તેમાંથી બે હેલિકોપ્ટર તેમના ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત રીતે ઉતરી ગયા છે. રઇસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (375 માઈલ) દૂર જોલ્ફા શહેરની નજીક બની હતી. માહિતી અનુસાર, કથિત રીતે ત્રણ હેલિકોપ્ટર કાફલામાં હતા, અને અન્ય બે કોઈ સમસ્યા વિના પાછા ફર્યા હતા.

રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ઈરાની રેડ ક્રિસેંટ સોસાયટીની બચાવ ટુકડીઓ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જ્યાં આ ઘટના બની હતી. ઓપરેશનમાં મદદ માટે ડ્રોન પણ મોકલવામાં આવ્યા છે. રઇસી 19 મેની સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાન ગયા હતા. અરસ નદી પર બનેલો આ ત્રીજો ડેમ છે, જે બંને દેશોએ બાંધ્યો છે.

ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન અને પ્રાંતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી-હાશેમ, રાયસી સાથે હેલિકોપ્ટરમાં હતા. ઉર્જા મંત્રી અલી અકબર મેહરબિયન અને હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મેહર્દાદ બજારપાશ અન્ય હેલિકોપ્ટરમાં સામેલ હતા જેઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય પર પહોંચી ગયા હતા. ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે કોઈ વાતચીત થઈ નથી. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે હેલિકોપ્ટરમાં રાયસીની સાથે આવેલા લોકોએ ઇમરજન્સી કોલ કરીને જાણ કરી હતી કે રાષ્ટ્રપતિ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઇમરજન્સી સેવાઓ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ અહેવાલ નથી.