December 22, 2024

ગુજરાતમાં ચાલતા તમામ મદરેસાની થશે તપાસ, સરકારનો આદેશ

અમદાવાદઃ ગુજરાત સરકારે મદરેસાને લઈને એક મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાતમાં ચાલતા તમામ સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાનો સરવે હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગે શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની કચેરીને કરેલા આદેશમાં જણાવાયું છે કે, રાજ્યની મદરેસામાં અભ્યાસ કરતા બિનમુસ્લિમ બાળકોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ મદરેસાનું મેપિંગ પણ કરવામાં આવશે.

તમામ જિલ્લા શિક્ષણાધિકારીને શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મદરેસાની તપાસ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં કુલ 30 મદરેસા કાર્યરત છે. તમામ મદરેસામાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરશે. તપાસ બાદ અધિકારીઓ ઓનલાઇન રિપોર્ટ ફાઇલ કરશે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસઃ જૂનાગઢમાં આવેલું છે 122 વર્ષ જૂનું ‘દરબાર હોલ’ મ્યુઝિયમ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવને મળેલા સમન્સ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. પરિપત્રમાં જણાવાયું છે કે, મદરેસામાં ભણાવાતા બાળકો સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે એ જરૂરી છે, જેથી દરેક જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટીમ બનાવી મગાયેલી માહિતી તાત્કાલિક ભરવાની રહેશે. તમામ પ્રકારની કાર્યવાહી કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. અધિકારીઓને મદરેસાની કામગીરીને અગ્રતા આપી સમયમર્યાદામાં પૂરી કરવા જણાવાયું છે.

આ માહિતીની તપાસ કરવામાં આવશે

  • મુખ્ય બાબત માગવામાં આવી છે.
  • મદરેસાનું સંચાલન કરનારી વ્યક્તિનું નામ.
  • ટ્રસ્ટ-સંસ્થાનું નામ.
  • મદરેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ.
  • મદરેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે?
  • અભ્યાસ માટેનો સમય કયો છે?
  • શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાંનો સ્ત્રોત શું છે?
  • અભ્યાસ કરતા બાળકોની ઉંમરની માહિતી.
  • અન્ય શાળામાં અભ્યાસ કરતા હો તેની સંખ્યા વિશે તપાસ કરવામાં આવશે.