December 22, 2024

VIDEO: ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વિશ્વની શ્રેષ્ઠ, થોડીવારમાં મેદાન સૂકવી નાખે

Chinnaswamy Stadium Drainage System Video: IPL 2024 ની સૌથી મોટી મેચ આવતીકાલે એટલે કે શનિવારે રમાવાની છે. આ મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હકિકતે, આ મેચ બંને ટીમો માટે નોકઆઉટ છે, તેથી જ ચાહકો તેને ‘ફાઇનલ’ કહી રહ્યા છે. જો કે આ મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે જે બેંગલુરુના ચાહકોને રાહત આપશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ બતાવવામાં આવી રહી છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ દુનિયામાં સૌથી સારી છે. અહીં જમીન થોડીવારમાં સુકાઈ જાય છે અને પાણી પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.

17 વર્ષથી ખિતાબ જીતવાનું સપનું જોઈ રહેલી RCB શનિવારે કરો યા મરો મેચમાં ચેન્નાઈ સામે ટકરાશે. હવામાન વિભાગે આવતીકાલે વરસાદની આગાહી કરી છે. જો મેચ નહીં થાય તો ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી જશે. જ્યારે RCBને ઓછામાં ઓછા 18 રનથી અથવા 11 બોલ બાકી રહેતાં જીતવા પડશે, તો જ તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે.

RCB અત્યારે શ્રેષ્ઠ ફોર્મમાં છે. છ મેચની હારનો સિલસિલો તોડ્યા બાદ તેણે સતત પાંચ મેચ જીતી છે. વિરાટ કોહલી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તેની પાસે ઓરેન્જ કેપ છે. રજત પાટીદાર પણ મિડલ ઓર્ડરમાં તોફાની ઇનિંગ્સ રમી રહ્યો છે. નોંધનીય છે કે, આ સિઝનમાં RCB બોલરોમાં યશ દયાલે સૌથી વધુ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ પણ છેલ્લી કેટલીક મેચોથી પોતાની જુની લયમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: વરસાદે હૈદરાબાદને અપાવી પ્લેઓફ ટિકિટ, ગુજરાત વિરુદ્ધ મેચ રદ્દ

કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ સિઝનમાં ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને તે આ લય જાળવી રાખશે તેવી અપેક્ષા છે. ઓપનર રચિન રવિન્દ્રએ પણ સારી ઇનિંગ્સ રમી છે. છેલ્લી ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા શિવમ દુબે પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. બોલિંગમાં ફાસ્ટ બોલર સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, ટીમમાં મુસ્તાફિઝુર રહેમાન, મથિશા પથિરાના અને દીપક ચાહરની ખોટ છે.