December 22, 2024

મેઘાણીનગરમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતીનું 2 મિત્રોએ અપહરણ કર્યું અને એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઘર નજીક કરીયાણું લેવા ગઈ હતી અને હેવાનોએ તેને હવસનો શિકાર બનાવી હતી. હાલ પોલીસે દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતી સાથે અપહરણ અને બળાત્કારની ઘટના બની છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાગર પટણીએ માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરતા પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષની માનસિક અસ્થિર યુવતી ઘર નજીક આવેલી કરીયાણાની દુકાનમાં કરીયાણું લેવા આવી હતી. ત્યારે દુકાન નજીક સાગર પટણી અને તેનો એક મિત્ર ઉભા હતા. બંનેએ યુવતીની એકલતાનો લાભ લઈને યુવતીને લલચાવી ફોસલાવી એક્ટિવા પર બેસાડી અપહરણ કરી આઇજીપી કમ્પાઉન્ડમાં અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીએ ઘરે જવાનું કહેતા બંને મિત્રોએ યુવતીને માર માર્યો અને એક યુવક એક્ટિવા લઇને નીકળી ગયો હતો. જ્યારે આરોપી સાગરે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના SVPI એરપોર્ટ પર સુવિધામાં વધારો, ઓપરેશન્સ-એરક્રાફ્ટની સંખ્યા વધશે

આ સમગ્ર ઘટનાની જાણ યુવતીના પરિવારને થતા યુવતીની માતાએ બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, બળાત્કાર કરનારો મુખ્ય આરોપી સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જ્યારે યુવતી કરિયાણું લેવા આવી હતી, ત્યારે બંને મિત્રો ત્યાં ઊભા હતા અને યુવતીનું એક્ટિવા પર અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. સાગર પટણી બેકાર છે અને મેઘાણીનગર વિસ્તારમાં રહે છે. યુવતી માનસિક અસ્થિર હોવાથી આરોપીઓએ નજર બગાડી હતી અને એકલતાનો લાભ લઈને આ કૃત્ય આચર્યું હતું. મેઘાણીનગર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી સાગર પટણીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો

મેઘાણીનગરમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સાગરની ધરપકડ કરી છે. પરંતુ અપહરણ કરનાર તેનો મિત્ર હજુ ફરાર છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. જ્યારે આરોપી અને ભોગ બનનારી યુવતીનું મેડિકલ તપાસ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.