December 27, 2024

આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ ક્યાં-ક્યાં પડશે માવઠું

અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે ગુજરાતના 10થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ PM મોદી થયા ભાવુક, કહ્યુ – મમ્મીના નિધન પછી ગંગા મારી માતા, મને દત્તક લીધો છે

ઉલ્લેખનીય છે કે, ભરઉનાળે કમોસમી વરસાદ પડતા લોકોને ભારે ઉકળાટમાંથી છૂટકારો મળ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં બે લોકોનાં મોત નીપજ્યા હતા. તો બીજી તરફ, ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાનો માહોલ છવાયો છે.

મોરબીમાં વહેલી સવારથી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. તો હળવદના બે ગામોમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દેવભૂમિ દ્વારકામાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ખરાબ હવામાનને કારણે માછીમારોને સૂચના આપી છે. આ ઉપરાંત કમોસમી વરસાદ ખાબકવાની સંભાવનને પગલે માછીમારોને સચેત કરવામાં આવ્યા છે. ખરાબ વાતાવરણને કારણે દરિયામાં અનેક ફેરફાર થાય તેવી શક્યતા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ત્યારે તકેદારી રાખવા તેમજ જરૂર લાગે તો સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે.

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થયો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વઢવાણ, લખતર, સાયલા, ચોટીલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાનો માહોલ છવાયો છે.