કોઇકના પિતા રિક્ષાચાલક તો કોઇક દરજી… સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓની ધોરણ-12માં બોલબાલા
રિપોર્ટર, અમિત રૂપાપરા, સુરત: ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું આજે પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.5% આવ્યું છે અને સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. ત્યારે કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેમને સંઘર્ષની સાથે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખૂબ સારું પરિણામ મેળવીને આજે આ વિદ્યાર્થીઓના મુખ પર એક સ્મિત જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતની નાલંદા શાળામાં અભ્યાસ કરતા 12 કોમર્સના વિદ્યાર્થી રાહુલ જેઠવા, ખુશી જેઠવા અને જીગ્નેશ ડાભી કે જેમને સંઘર્ષ કરીને સિદ્ધિ રૂપી પરિણામમાં એ વન ગ્રેડ મેળવ્યો છે.
જીગ્નેશ ડાભીના પિતા ભાવેશભાઈ રિક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવે છે. જીગ્નેશ પરિવાર સાથે પુણાગામની અમરધામ સોસાયટીમાં રહે છે. તો માતા-પિતાના સપોર્ટથી તેને આ ખૂબ સારું પરિણામ મળ્યું છે. જીગ્નેશ ડાભીએ પોતાના પિતા ભાવેશભાઈ મહેનત જોઈ અને ઘણી વખત પરિવારમાં આવતા આર્થિક ઉતાર ચઢાવ પણ જોયા અને દૃઢ નિર્ણય કર્યો કે, પોતાના પિતા જે મહેનત કરી રહ્યા છે તે મહેનતને તે પોતાનું સારું પરિણામ લાવીને સફળ કરશે અને બસ આ જ મહેનતથી જીગ્નેશ પ્રતિદિન આજથી 10 કલાકનો અભ્યાસ કર્યો અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ મેળવીને માતા પિતા તેમજ શિક્ષકોનું નામ ગર્વથી ઊંચું કર્યું.
સુરતના પુણાગામની નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતો રાહુલ જેઠવા કે તેના પિતા દરજીકામ કરીને પરિવારનો ગુજરાન ચલાવે છે અને તે પુણા ગામની ઓમકાર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. પિતાનો નિશ્ચય હતો કે, દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવો છે. આજે જ્યારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું પરિણામ જાહેર થયું છે. ત્યારે 12 કોમર્સમાં અભ્યાસ કરતા રાહુલે પોતાના પિતા રાજુભાઈનું નામ ગર્વથી ઊંચું કર્યું છે અને એ વન ગ્રેડ તેને હાંસલ કર્યો છે. રાહુલે પ્રતિદિન 5થી 6 કલાકનો અભ્યાસ કરતો હતો. કોઈ સમસ્યા આવતી તો તે શિક્ષકોની મદદ લેતો હતો અને શિક્ષકો પણ તેને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવતા હતા અને અભ્યાસમાં આવતી મુશ્કેલીને દૂર કરતા હતા. આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષા દરમિયાન તેમજ આખા વર્ષ દરમિયાન માતા-પિતાનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો હતો.
તો સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી જેઠવા ખુશીએ પણ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરીને માતા પિતાનું નામ ગર્વથી ઊંચું કર્યું છે. ખુશીના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે અને ખુશી આ પરિણામ મેળવવા માટે પ્રતિદિન 12થી 13 કલાક સુધી અભ્યાસ કરતી હતી. અભ્યાસ માટે ખુશી એ પારિવારિક પ્રસંગોમાં જવાનું પણ ટાળ્યું હતું અને બસ તેના મનમાં એક જ વિચાર હતો કે સારું પરિણામ મેળવીને માતા પિતાનું નામ ગર્વ થી ઊંચું કરવું છે. આ જ નિર્ધાર સાથે ખુશી ખૂબ જ મહેનત કરી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એ વન ગ્રેડ મેળવીને માતા પિતા તેમજ શિક્ષકોનું નામ ગર્વથી ઊંચું કર્યુ.