December 21, 2024

હવે સિંહોએ પાણી માટે ભટકવું નહીં પડે, અમરેલી વન વિભાગે કર્યું આ કાર્ય

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામાં હાલ ઉનાળાની શરૂઆતમાં જ 38થી 40 ડીગ્રી તાપમાન નોંધાય રહ્યું છે. ત્યારે સિંહો માટે પણ પાણીની જરૂર પડતી હોય છે. ત્યારે ઉનાળામાં ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સિંહો અને વન્યપ્રાણીઓ માટે 254 પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે.

પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે
અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે. ત્યારે વન વિભાગ દ્વારા ઉનાળાના સમયે સિંહો અને વન્યપ્રાણીઓ માટે જંગલ અને રેવન્યુ વિસ્તારમાં 254 પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. જેમાં 82 કુદરતી અને 172 કુત્રિમ પાણીના પોઇન્ટ આવેલા છે. જેમાં વન વિભાગ દ્વારા શ્રમયોગી દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. તેમજ ટેન્કર દ્વારા,પવનચક્કી દ્વારા ડીઝલ એન્જિનથી પાણીના પોઇન્ટ, સોલાર દ્વારા પાણીના પોઇન્ટ અને અન્ય પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડશે વરસાદ

અઠવાડિયામાં બે વાર સાફ
કાળઝાર ગરમીની અસર સિંહો સહિત વન્યપ્રાણીઓ પર પણ જોવા મળી હતી. ત્યારે વન વિભાગ દ્વારા સિંહોને તકલીફ ન પડે તે હેતુથી વન વિભાગ દ્વારા ધારી ગીર પૂર્વની હડાળા રેન્જ, ખાંભા તુલસીશ્યામ રેન્જ, જસાધાર રેન્જ, દલખાણીયા રેન્જ, પાણીયા રેન્જ, સરસીયા રેન્જ સાવરકુંડલા સહિત 7 રેન્જમાં પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. પાણીના પોઈન્ટ નજીક સેલ્ફસ્ટીક પણ ગોઠવવામાં આવી છે. પાણીના પલારેલા કોથરા પણ મુકવામાં આવી રહ્યા છે. આ તમામ પાણીના પોઇન્ટ વન વિભાગ દ્વારા અઠવાડિયામાં બે વાર સાફ કરવામાં આવી રહ્યા છે.