December 22, 2024

નામાંકન પહેલાં કન્હૈયા કુમારે કર્યો હવન, બધા ધર્મના ધર્મગુરૂઓનાં લીધા આર્શિવાદ

અમદાવાદ: દિલ્હીની તમામ સાત બેઠકો પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. આજે નોમિનેશનની છેલ્લી તારીખ છે. કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર આજે નોર્થ ઈસ્ટ દિલ્હી સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા કન્હૈયાએ પૂજા-હવન કર્યો હતો. તેમણે તમામ ધર્મના ગુરુઓના આશીર્વાદ પણ લીધા હતા. મુસ્લિમ બહુલ ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ પર ભાજપના મનોજ તિવારી અને કન્હૈયા કુમાર વચ્ચે જંગ છે.

મહત્વનું છે કે, તિવારી અહીંથી બે વખત સાંસદ છે, જ્યારે JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2019 માં તેમણે બેગુસરાય બેઠક પરથી પ્રથમ વખત સંસદીય ચૂંટણી લડી હતી, પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બે પૂર્વાંચલીઓ વચ્ચેની આ હરીફાઈમાં કોણ કોના ઉપર વિજય મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.

બેઠકનું સમીકરણ
ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા સીટ હેઠળ 10 વિધાનસભા બેઠકો છે. જેમાં બુરારી, તિમારપુર, સીમાપુરી, રોહતાસ નગર, સીલમપુર, ઘોંડા, બાબરપુર, ગોકલપુર, મુસ્તફાબાદ અને કરવલ નગર સીટોનો સમાવેશ થાય છે. આ 10 વિધાનસભા બેઠકોમાંથી રોહતાસ નગર, ઘોંડા અને કરવલ નગરમાં ભાજપના ધારાસભ્યો છે જ્યારે બાકીના સાત ધારાસભ્યો આમ આદમી પાર્ટી (AAP)ના છે. જો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની વોટિંગ પેટર્ન તદ્દન અલગ છે. આ સંદર્ભમાં, 2024 ની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ રહેવાની છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યા કરે તે પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપ્યાં, બે પિસ્તોલ-કારતૂસ જપ્ત

પાર્ટીએ ત્રીજી વખત મનોજ તિવારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો
BJPએ મનોજ તિવારી પર ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીએ દિલ્હીના સાતમાંથી છ સાંસદોની ટિકિટ રદ કરી છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે મનોજ તિવારી એકમાત્ર એવા સાંસદ છે કે જેના પર પાર્ટીએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મનોજ તિવારીએ નોર્થ-ઈસ્ટ સીટ પર જેપી અગ્રવાલ અને શીલા દીક્ષિત જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતાઓને હરાવ્યા છે. આવી સ્થિતિમાં કન્હૈયા કુમાર નોર્થ-ઈસ્ટ સીટ પર મનોજ તિવારીને ટક્કર આપી શકશે કે કેમ તે તો 4 જૂને જ ખબર પડશે.

દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે
મહત્વનું છે કે, દિલ્હીની તમામ સાત સીટો પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થઈ રહ્યું છે. આ વખતે દિલ્હીમાં કોંગ્રેસ ત્રણ સીટો પર જ્યારે આમ આદમી પાર્ટી રાજધાનીની ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજ અને ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ આપી છે, જ્યારે AAPએ નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સહીરામ પહેલવાન, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રા અને પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમારને ઉમેદવાર બનાવ્યા છે.