November 24, 2024

ગીરના જંગલમાં આવેલું કનકાઈ મતદાન મથક, ત્રણ નેસનાં 121 મતદાતા કરે છે વોટિંગ

જૂનાગઢઃ ચૂંટણી પંચના વિશિષ્ટ મતદાન મથક પૈકીનું એક જૂનાગઢના ગીરના જંગલ વચ્ચે આવેલું છે. કનકાઈ મતદાન મથકમાં માત્ર 121 મતદારો માટે અહીંયા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી ફરજનો સ્ટાફ 15 કિમી જંગલ રસ્તો પાર કરીને આ મતદાન મથક પર પહોંચે છે. મતદાન સમયે વોકીટોકીથી રિપોર્ટિંગ કરવામાં આવે છે. કનકાઈ મતદાન મથક હેઠળ લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસનો સમાવેશ થાય છે અને કનકાઈ મતદાન મથક જિલ્લાનું સૌથી ઓછા મતદાર ધરાવતું મતદાન મથક છે.

કનકાઈ માતાજીનું મંદિર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલું છે પ્રાચીન કનકાઈ માતાજીનું મંદિર. આ વિસ્તાર ગીર અભ્યારણ્યમાં આવેલો છે. પ્રાકૃતિક સૌદર્યની સાથે આ વિસ્તાર દુર્ગમ પણ છે અને આ વિસ્તારમાં વસતા નાગરિકો મતાધિકારીથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા અહીં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢથી 70 કિમી દૂર ગાઢ જંગલમાં આવેલું છે કનકાઈ મતદાન મથક. કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરીમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

લીલાપાણી નેસ, સુવરડી નેસ અને ગોરડવાળા નેસનો આ મતદાન મથકમાં સમાવેશ થાય છે. ત્રણેય નેસના મળીને કુલ 121 મતદારો છે. જેમાં 67 પુરૂષ અને 54 મહિલા મતદારનો સમાવેશ થાય છે. મતદાન મથક પર ચૂંટણી ફરજના કર્મચારીઓને 15 કિમી જંગલનો રસ્તો પાર કરીને પહોંચવું પડે છે અને જંગલ વિસ્તાર હોવાથી અહીં મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નથી. મતદાનના દિવસે દર બે કલાકે મતદાનની ટકાવારીના આંકડાનો રિપોર્ટ કરવાનો હોય છે. સામાન્ય મતદાન મથક પરથી ફોન કે મોબાઈલથી મતદાનના આંકડાનો રિપોર્ટ થતો હોય છે, પરંતુ કનેક્ટિવિટીના અભાવે આ મતદાન મથક પર ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને કોમ્યુનિકેશનની કામગીરી માટે વોકીટોકી આપવામાં આવે છે અને તેનાથી તેઓ સફળતાપૂર્વક રિપોર્ટીંગ કરે છે.

જે મતદાન મથક જંગલમાં, પહાડ પર કે દુર્ગમ વિસ્તારમાં હોય કે જ્યાં તે મતદાન મથક સાથે સહેલાઈથી કોમ્યુનિકેશન થઈ શકે તેમ ન હોય તેવા મતદાન મથક શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવે છે. જૂનાગઢમાં કનકાઈ ઉપરાંત ગીરની બોર્ડર પર આવેલા દુધાળા, માણંદિયા અને રાજપરા મતદાન મથકને પણ શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આવા મતદાન મથકો પર મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. કનકાઈ મતદાન મથક જિલ્લાનું સૌથી ઓછા મતદાર ધરાવતું મતદાન મથક છે અને આ વિસ્તારના માલધારી મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે.