December 19, 2024

નિજ્જરની હત્યા કેનેડાનો આંતરિક મામલો, ભારતને લેવાદેવા નથીઃ જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડામાં જે કંઈ થઈ રહ્યું છે, તે તેમની આંતરિક રાજનીતિને કારણે છે. આ હત્યાકાંડને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

જયશંકરે આ ટિપ્પણી જસ્ટિન ટ્રુડો દ્વારા તેમની ભારતની ટીકા પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર કરી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, ‘ખાલિસ્તાન સમર્થકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરીને ત્યાં લોબી બનાવી રહ્યો છે. તેઓ વોટબેંક બની ગયા છે. કેનેડામાં સત્તાધારી પક્ષ પાસે સંસદમાં બહુમતી નથી અને કેટલાક પક્ષો ખાલિસ્તાન તરફી નેતાઓ પર નિર્ભર છે. અમે તેમને ઘણી વખત સમજાવ્યું છે કે તેઓ એવા લોકોને વિઝા, કાયદેસરતા અથવા રાજકીય જગ્યા ન આપે જેઓ ભારત-કેનેડા સંબંધો માટે પણ સમસ્યા સર્જી રહ્યા છે. પરંતુ કેનેડાએ કંઈ કર્યું નથી.’

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના પૂંછ એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, પાંચ જવાન ઘાયલ

કેનેડિયન પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ત્રણ કથિત હત્યારાઓની તસવીરો જાહેર કરી છે અને તેમની ઓળખ જાહેર કરી છે. તેમની ઓળખ કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28) તરીકે થઈ છે. ત્રણેય ભારતીય નાગરિક છે અને કેનેડાના એડમોન્ટનમાં રહે છે. તેમની સામે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે શુક્રવારે તેમની ધરપકડ કરી હતી.

100 રૂપિયાની નોટ પર ભારતીય પ્રદેશો સાથે નવો નકશો છાપવાના નેપાળના નિર્ણય પર જયશંકરે કહ્યુ કે, નેપાળનો આ નિર્ણય એકપક્ષીય છે. બંને દેશો વચ્ચે સીમા પર વાતચીત ચાલી રહી છે. અમે નકશા સંબંધિત રિપોર્ટ જોયો છે. નેપાળ યથાસ્થિતિ બદલી શકે નહીં.’

જયશંકરે કહ્યું કે, ઓડિશાને ઊર્જાસભર અને પ્રતિબદ્ધ સરકારની જરૂર છે, જે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે ભાગીદાર તરીકે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કુદરતી અને માનવ સંસાધનથી સમૃદ્ધ રાજ્ય વિકાસમાં પાછળ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ઓડિશામાં એટલો વિકાસ થયો નથી જેટલો સંસાધનો છે. રાજ્યમાં મેન્યુફેક્ચરિંગનો બહુ વિકાસ થયો નથી. તેથી, તેને એક મહેનતુ અને પ્રતિબદ્ધ સરકારની જરૂર છે જે કેન્દ્રમાં મોદી સરકારના સહયોગી તરીકે કામ કરી શકે.