December 22, 2024

યુગલોને રોકી લૂંટ ચલાવતા આરોપીની અડાલજ પોલીસે કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ એકાંત માણવા માટે યુગલો શહેરના છેવાડાના વિસ્તારોમાં જતા હોય છે. પરંતુ ત્યાં તેમની સુરક્ષા કેટલી તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે, અડાલજ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે. જે એકાંત માણતા યુગલો પાસેથી લૂંટ ચલાવતો હતો. અડાલજ પોલીસે લૂંટના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ તેનો સાગરીત ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અડાલજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ શોબિત ઉર્ફે રાહુલ શર્મા છે. જે અમદાવાદના રાણીપ વિસ્તારનો વતની છે. પરંતુ શોબિત તેના મિત્ર રોહિત કોરી સાથે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલ અને તેના આસપાસના વિસ્તારમાં ફરતો હોય છે અને તે સમયનો લાભ લઈ એકાંત માણતા યુગલોને રોકી તેમની પાસેથી લૂંટ ચલાવતો હતો. થોડાં દિવસો પહેલાં જ આરોપીએ કેનાલ પર ફોટોગ્રાફી કરી રહેલા યુગલને રોકી લૂંટ ચલાવી હતી. જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી છે.

આરોપી શોબિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી રાણીપ વિસ્તારમાં રહે છે અને તેનો ગુનાહિત ઈતિહાસ તપાસતા સોલા અને સાબરમતી પોલીસ મથકમાં લૂંટ, હત્યા, હથિયારધારા સહિતના 5 ગુના નોંધાયા છે. જો કે, આરોપીની મોડેસ ઓપરેન્ડી જોતા તેણે અન્ય પણ યુગલો સાથે લૂંટ કરી હોવાનું પોલીસ માની રહી છે. આ સાથે જ પોલીસે સહઆરોપી રોહિત કોરીની પણ શોધખોળ હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. જો કે, લૂંટનો ભોગ બનનારા યુગલે આરોપીનો ફોટો પાડી પોલીસને આપ્યો હતો. તેમ છતાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે 100થી વધુ સીસીટીવી ચેક કરવા પડ્યાં હતા. તેમ છતાં સહ આરોપી ફરાર થઈ ગયો છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીની પૂછપરછ અને અન્ય આરોપી પકડાયા બાદ ઘણી નવી હકીકત સામે આવશે.