January 2, 2025

સુરેન્દ્રનગર 400 દિવ્યાંગ-અશક્ત મતદારોએ ઘરેથી વોટ આપ્યો

Surendranagar 400 Divyang Impaired Voters voted from home

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચની ગાઈડલાઈન અને સૂચના મુજબ 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોના ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વઢવાણ તાલુકામાં પણ અંદાજે 400 જેટલા અશકત મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.

સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી માટે આગામી તારીખ 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેની હાલ ચૂંટણી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભામાં સમાવિષ્ટ મતદાર વિભાગમાં આવતા સિનિયર, દિવ્યાંગ તેમજ 85 વર્ષથી વધુ ઉંમરના અશક્ત મતદારો જેઓ મતદાન મથક સુધી નથી જઈ શકતા તેમના માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન અને નિયમ મુજબ જીલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા બેઠકો પર અશકત મતદારોના ઘરે જઈ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં અકસ્માત થતા આણંદની ત્રણ મહિલાના મોત, ડ્રાઇવર સારવાર હેઠળ

વઢવાણ વિધાનસભામાં નોંધાયેલ અંદાજે 400 જેટલા ૮૫ વર્ષથી વધુ અને દિવ્યાંગ મતદારો ઘરે જઈ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ઝોનલ ઓફિસર સહિતની ટીમની ઉપસ્થિતિમાં વઢવાણ શ્રીજીનગર સોસાયટીમાં 89 વર્ષના સવિતાબેન ગુણવંતભાઈ રૂપેરાએ અને વાઘેશ્વરી ચોક વિસ્તારમાં રહેતા 86 વર્ષના બાબુભાઈ સોની સહિતના અશક્ત મતદારોએ ઘરે પોસ્ટલ બેલેટ દ્વારા મત આપી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન કુટીર, બેલેટ પેપર, કવર, સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ જઈ સામાન્ય મતદાન મથક જેમ જ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું હતું. જ્યારે મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી અને ચૂંટણી વિભાગ દ્વારા અશ્કત મતદારો જેઓ મતદાન મથકો સુધી નથી જઈ શકતા તેમના માટે ઘરે પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવાની સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 85 વર્ષથી વધુ ઉંમરના 12877 મતદારો અને 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 2844 મતદારો નોંધાયા છે. તે પૈકી માત્ર 1217 વડીલ અને 272 દિવ્યાંગ મતદારોએ જ ફોર્મ 12 ડી ભરી ઘરેથી મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો.