અમરેલી કે.કે પારેખ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીને માર માર્યો
દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે.કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થિનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હોવાની ઘટના ઘટી હતી. વિદ્યાર્થિનીને માર મારી વાળ પકડીને નીચે પટકી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વિદ્યાર્થિની દ્વારા છેડતી માર મારવાની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. બીજી બાજુ આરોપી માથાભારે વિદ્યાર્થી યુવકની પોલીસે અટકાયત કરી લીધી હતી.
આ કોલેજમાં હાલ SYBCOMની પરીક્ષા ચાલી રહી છે, જેમાં સાવરકુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માળીલા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો, જેથી સામું જોતા તેણે નજર નીચી રાખવાનું કહ્યું હતું અને બાદમાં ‘તું શું મારી વાત કરતી હતી’ તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું. છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડી પછાડી દઈ બન્ને યુવતીની છેડતી કરી હતી. આ યુવકે તેને કહ્યું કે, ‘તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉ છું તું કેમ આવે છે’ તેમ ધમકી પણ આપી હતી.
જે અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખીને યુવકે વિદ્યાર્થિનીને માર માર્યો હતો. પરીક્ષાનું પેપર પૂરું થતાં જ આ વિદ્યાર્થિની પાર્કિગ પાસે ઊભી હતી. ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થિનીને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ ‘હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ’ તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ઘટનાને લઈ પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
કે.કે. પારેખ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશ પટેલે જણાવ્યું હતું કે, બધા વિદ્યાર્થીઓ અહીં હાજર હતા ત્યારે મહાવીર વાળા અને એક વિદ્યાર્થિની વચ્ચે સામું જોવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થીએ પણ બાંયેધરી આપી હતી. ત્યારબાદ તરત ત્યાં પાર્કિગમાં બૂમાબૂમ થઈ હતી. જેથી હું દોડીને ત્યાં પહોંચ્યો હતો. જોકે, હું પહોંચ્યો તે પહેલાં ત્યાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી. આ આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી જ્યારે ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, કે કે પારેખ કોલેજમાં મહાવીર વાળા દ્વારા કોલેજની વિદ્યાર્થિનીને ‘અગાઉ કેમ મારી સામે જોતી’તી અને ‘કેમ મારી વાત કરતી’તી તે બાબતે મનદુઃખ રાખી વિદ્યાર્થિની જ્યારે વાંચતી હતી ત્યારે તેને અટકાવીને ધમકી આપી હતી. તેમજ વિદ્યાર્થિનીના વાળ પકડી, ધક્કો મારી અને વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થિનીને બચાવવા માટે તેની બહેનપણીને પણ ભોગવાનો વારો આવ્યો હતો ને આરોપીની અટકાયત કરી લીધી હોવાનું Dysp ચિરાગ દેસાઈ એ જણાવ્યું હતું.