December 24, 2024

7 મહિનાની મહેનત બાદ તૈયાર થયો ‘હીરામંડી’નો ભવ્ય સેટ

અમદાવાદ: સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ હીરામંડી હવે થોડા જ દિવસમાં રીલિઝ થવા જઈ રહી છે. પોતાનો ડિજિટલ ડેબ્યૂ કરવામાં ભણસાલી કોઈ પણ કસર બાકી નથી રાખી રહ્યા. પોતાની ફિલ્મોમાં ભણસાલી જેવી રીતે ઈન્ડિયન કલ્ચર અને હેરિટેજના સેટ્સ જોવા મળે છે. તેઓ સ્ક્રીન પર એક અલગ જ દ્રશ્ય ઊભુ કરે છે, પરંતુ હીરામંડીમાં તો તેમણે પોતાના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે.

ભણસાલીએ સેટની વિગતો શેર કરી હતી
એક એજન્સી સાથે વાત કરતા ભણસાલીએ ‘હીરામંડી’ના સેટ વિશે રસપ્રદ વિગતો શેર કરી. ભણસાલીએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેમને આ સેટનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં લગભગ 18 વર્ષનો સમય લાગ્યો હતો. સેટમાં હીરામંડીની સૌથી શક્તિશાળી ગણિકા મલ્લિકાજન (મનીષા કોઈરાલા)નો શાહી મહેલ પણ સામેલ છે. તેની સાથે સ્પર્ધા કરવા જઈ રહેલી ફરીદાન (સોનાક્ષી સિન્હા)નો ગ્રાન્ડ ક્વાર્ટર પણ આમાં સામેલ છે. સેટ પર એક મોટી સફેદ મસ્જિદ, વિશાળ પ્રાંગણ અને ઘણા સુંદર ફુવારાઓ સાથેનો હોલ પણ છે.

700 કારીગરોની મહેનત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેટ લગભગ 700 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દુકાનો, કોઠા અને હમ્મામ પણ સામેલ છે. ભણસાલીની દેખરેખ હેઠળ બનેલા આ સેટ પરના ઝુમ્મર અને લાકડાના દરવાજા પણ હાથથી બનાવેલા છે. આ સેટમાં 1930-40ના યુગનું સાગનું લાકડાનું ફર્નિચર પણ છે, જે અમદાવાદના એન્ટિક સ્ટોરમાંથી ખરીદ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ભણસાલીએ પોતે તેને પોતાના કલેક્શન માટે ખરીદ્યા હતા.

આ પણ વાંચો: ખરીફ પાકોના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ શું ધ્યાન રાખવું?

આ વિશાળ સેટ વિશે વાત કરતાં ભણસાલીએ કહ્યું, ‘જ્યારે પાત્રો એવા હોય છે કે મને ખૂબ જ ગમે છે. તેથી હું તેમના માટે ખાસ જગ્યાઓ તૈયાર કરું છું. જ્યારે હું તેને ફોન કરું છું ત્યારે મારા આર્ટ ડિરેક્ટર નર્વસ થાય છે. જ્યાં સુધી વસ્તુઓ સંપૂર્ણ ન હોય ત્યાં સુધી હું તેમનું મગજ ખાઉં છું. સારો સેટ બનાવવા માટે ઘણો પ્રેમ અને જવાબદારીની જરૂર પડે છે. થાંભલાની ડિઝાઈન પણ કોઈની કલ્પનામાંથી જ આવે છે.

ભણસાલીએ વધુમાં કહ્યું કે, ‘આ સૌથી મોટો સેટ છે જે મેં મારા જીવનમાં બનાવ્યો છે. કારણ કે ખરેખર, અમે જે મર્યાદા વિચારી હતી તેનાથી આગળ વધી ગયા છીએ. ભણસાલીનો શો ‘હીરામંડી’ 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. મનીષા અને સોનાક્ષીની સાથે અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, ફરદીન ખાન અને શેખર સુમન જેવા કલાકારોએ પણ તેમાં કામ કર્યું છે.