December 19, 2024

અમદાવાદમાં નોટિસ આપ્યા વગર શાળા બંધ કરતા વાલીઓનો હોબાળો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી સ્કૂલમાં વાલીઓને કોઇપણ પ્રકારની નોટીસ આપ્યા વગર શાળાએ હિન્દી માધ્યમ બંધ કરી દેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વાલીઓના રોષ બાદ શાળા દ્વારા 10 દિવસનો સમય માંગવામા આવ્યો છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી સ્કૂલ લઘુમતીમાં આવે છે. શાળામા હિન્દી મીડિયમની સમાંતર ઇંગ્લિશ મીડિયમની પણ શાળા ચાલી રહી છે. ત્યારે સંચાલકો દ્વારા શિક્ષકોના અભાવને કારણે હિન્દી મીડિયમ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં વાલીઓએ જણાવ્યુ હતુ કે, શાળા દ્વારા વધુ ફી વસૂલવા ઇચ્છી રહી છે અને જેને લઇને ગ્રાન્ટેડ હિન્દી માધ્યમ બંઘ કરીને સેલ્ફ ફાઇનાન્સ અંગ્રેજીમાં માધ્યમમાં વિદ્યાર્થીઓને એડમિશન ફાળવીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાન કરી રહી છે. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, અન્ય શાળાઓ પણ તેમનો સંપર્ક ચાલુ કરી દીધો છે. જેથી વાલીઓને શંકા છે કે, આ શાળા દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેથી કરી અહીં પ્રવેશ ન થતા અન્ય શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે શાળાની બહાર જ અન્ય શાળાના લોકો દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ, રાજસ્થાન સ્કૂલે પોતાનો બચાવ કર્યો છે. શાળાના આચાર્યએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હિન્દીમાં વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવાં શિક્ષકો શાળા પાસે રહ્યા નથી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યા. આ ઉપરાંત માયનોરિટી સ્કૂલ હોવાને કારણે તેઓ સીધી રીતે શિક્ષકોની ભરતી કરી શકતા નથી અને જ્ઞાન સહાયકો શાળાને ઓગસ્ટ પછી ફાળવવામાં આવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં તેને કારણે સંસ્થા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને વાલીઓને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

હાલ તો આ સમગ્ર મામલે વાલીઓએ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવાનું મન બનાવી દીધુ છે. ત્યારે જોવાનું એ રહે છે કે ડીઇઓ દ્વારા આ સમગ્ર મામલે શું પગલા લેવામાં આવે છે.