મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ, જાણો તમામ માહિતી
આશિષ પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં 6 જિલ્લાઓની વચ્ચે હ્રદય સમાન ધબકતો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ બે ભાગમાં વહેંચાયેલી છે. શહેરી વિસ્તાર અને ગામડાનો વિસ્તાર. લોકસભાની બેઠકની વાત કરીએ તો મહેસાણા કુલ મતદારોની સંખ્યા 17.50 લાખ છે. કુલ 7 વિધાનસભા બેઠકો સમાવેશ થાય છે. પરંતુ ખેરાલુ વિધાનસભા બેઠકનું મતદાન પાટણ લોકસભામાં થાય છે.
મહેસાણા જિલ્લાની 618 ગ્રામ પંચાયતો પૈકી 452માં સરપંચની ટર્મ પૂરી થઈ ગઈ હોવાના કારણે વહીવટદારો કામ કરે છે. મહેસાણાને આમ તો રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે. કારણ કે, 1984માં આખા દેશમાં જ્યારે ભાજપની બે સીટો આવી હતી. તેમાંથી એક સીટ મહેસાણાની આવી હતી. ત્યારથી મહેસાણાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ભાજપ દ્વારા પાટીદાર ચહેરો પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે આ વખતે જાતિવાદનું રાજકારણ રમવા માટે કોંગ્રેસે ક્ષત્રિય-ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. મહેસાણાના ટોટલ મતદારોમાં પાટીદાર 437310 અને ઠાકોર સમાજના 305187 મતદારો હોવાના કારણે બંને પાર્ટીઓએ બંને સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે. 2024 લોકસભાની ચૂંટણી મહેસાણામાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય ઠાકોરનો જંગ રહેશે.
આ પણ વાંચોઃ સુરત લોકસભા સીટ પર ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત
બાળા બહુચર અને મા ઉમિયાના દર્શન કરીને શુભકાર્યનો આરંભ થતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ઉમિયા અને મા બહુચરના આશીર્વાદ મેળવી અને ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો છે. જાતિવાદનું ગણિત અને જાતિવાદનું સમીકરણ ગણાતી મહેસાણા લોકસભા બેઠક ઉપર ભાજપે પ્રજાનો પ્રિય ચહેરો એટલે કે હરિભાઈ પટેલ અને કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા રામજી ઠાકોરને ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના હરિભાઈ પટેલ શહેરના સર્વાંગી વિકાસના કાર્યોને લઈને લોકો વચ્ચે મત માગવા જઈ રહ્યા છે અને સતત ત્રીજીવાર મહેસાણાના પનોતા પુત્રને પ્રધાનમંત્રી બનાવવા આહ્વાન કરી રહ્યા છે.
કોંગ્રેસના રામજી ઠાકોરે પણ પ્રજા વચ્ચે જઈને લાગણી વિભોર થઈને વોટ અને નોટની માંગણી કરીને લોકોના મન જીતી રહ્યા છે. મહેસાણા લોકસભા સીટના ટોટલ મતદારો 17.50 લાખ છે. જેમાં પાટીદાર 437310 અને ક્ષત્રિય ઠાકોર સમાજના 305187 મતદારો છે. જે બીજા સમાજની સરખામણીમાં વધુ છે. અન્ય સમાજની સંખ્યા પાટીદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ કરતાં ઘણી ઓછી છે. એટલે ભાજપ દ્વારા સતત આ સીટ ઉપર પાટીદાર ઉમેદવારની જ પસંદગી કરવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે ક્ષત્રિય ઠાકોર સમાજને પસંદગી કરીને મત વિભાજન કરીને સીટ જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહેસાણાના લોકસભાના પરિણામની જો વાત કરીએ તો છેલ્લી 4 ટર્મમાં 2004માં એકવાર કોંગ્રેસમાંથી જીવાભાઈ પટેલની જીત થઈ હતી એના પછી 2 વાર જયશ્રીબેન પટેલ 2019માં, શારદાબેન પટેલ 2,81,519 મતોથી વિજય થયા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ સાથે તેઓ પાંચ લાખથી પણ વધુ લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે અને મહેસાણાના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવનો દાવો કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે નવી તક ઉભી કરવા માટે જીત નિશ્ચિત હોવાનો દાવો કરી રહી છે. મહેસાણા લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જેમાં 2004 કોંગ્રેસમાંથી લોકસભા જીતનારા જીવાભાઇ પટેલ, સાગર રાયકા, સીજે ચાવડા ભાજપમાંથી વિજાપુર વિધાનસભા લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. એટલે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોનું માનવું છે કે, મહેસાણા ઉદ્યોગ ક્ષેત્રે, પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. એટલે સિંચાઈના પાણીની સમસ્યા અહીંયા નથી. નર્મદા અને ધરોઈના પાણીની કેનાલોની વ્યવસ્થા હોવાથી ખેતીમાં સગવડતા મળી છે. પરંતુ મહેસાણા જિલ્લામાં ટ્રાફિકનો પણ પ્રશ્ન પેચીદો છે. ત્યારે રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાનાં અભાવ પણ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળે છે. જો કે, મોઢેરા સૂર્યમંદિર, વડનગર એક ઐતિહાસિક નગરી ટુરીઝમ તરીકે ડેવલપમેન્ટ થયું છે અને વધુ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. બહુચરાજી શક્તિપીઠ જેવા તીર્થસ્થળોનો વિકાસ પણ થયો છે. ત્યારે મતદારો જાતિવાદના રાજકારણથી પર રહી અને મત આપવા માગે છે. જો કે, વિકાસના કામો થયા છે અને જરૂરિયાત મુજબ થઈ પણ રહ્યા છે, એવું લોકો માની રહ્યા છે
મહેસાણા જિલ્લો ઉદ્યોગ-ખેતી અને પશુપાલન પર આધારિત છે એટલે સુખી અને સંપન્ન છે. પરંતુ રાજકીય વિશ્લેષક અને સિનિયર પત્રકારોનું પણ માનવું છે કે, મહેસાણા જિલ્લો દિવસે દિવસે વિકસિત બન્યો છે. ક્યાંક પ્રાથમિક સુવિધાઓમાં ટ્રાફિક અને અન્ય નાના-મોટા પ્રશ્નો લોકોમાં કાયમ માટે માથાના દુખાવા સમાન છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને આ સમસ્યાનો ભાગ નથી ભજવતી. દેશનું હિત સચવાય તે પ્રમાણે મતદારો મત આપશે કોઈ પણ જ્ઞાતિ સમાજના વ્યક્તિને ટિકિટ આપી હોવાથી લોકો સ્થાનિક પ્રશ્નો ભૂલીને દેશનું ભાવિ જોઈને મતદાન કરવા જશે અને ઉમેદવારને વોટ કરશે.
મહેસાણા જિલ્લો એટલે આખા ભારતનું દેશ-વિદેશમાં નેતૃત્વ કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર. તે એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાવા જઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા ગામનું એપીએમસી માર્કેટ યાર્ડ એશિયામાં પ્રથમ નંબરનું માર્કેટ યાર્ડ છે. મહેસાણાની દૂધસાગર ડેરી જેની પણ આગવી એક ઓળખ છે. બહુચરાજીમાં શરૂ કરવામાં આવેલી મારુતિ કંપનીનો પ્લાન્ટ પણ દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે.
મહેસાણા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ મોટો જિલ્લો છે. આ જિલ્લો મુખ્યત્વે ખેતી, પશુપાલન અને ઉદ્યોગ ક્ષેત્રે વિકસિત પામ્યો છે અને આ જિલ્લો પશુપાલનને વરેલો હોવાથી આ જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરી રોજગારીની મોટી તક ઉભી કરી રહી છે. આ જિલ્લાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, આ જિલ્લામાં 7 વિધાનસભા આવેલી છે. મહેસાણા, ઊંઝા, વિસનગર, ખેરાલુ, વિજાપુર, કડી, બેચરાજી આમ સાત વિધાનસભા આવેલી છે.
છ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો હતા. વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા હતા. જેમણે થોડાક સમય પહેલાં જ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને હાલ વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, જિલ્લાના લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો લોકસભા માં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવારો જીતતા આવે છે જેમાં બે વખત જયશ્રીબેન પટેલ તો ગત ટર્મમાં ભાજપના શારદાબેન પટેલ સાંસદ તરીકે રહી ચૂક્યા છે. ગત ત્રણ ટર્મમાં મહેસાણા લોકસભાની સીટ ઉપર મહિલાઓનો દબદબો રહ્યો છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પુરુષ ઉમેદવારની પસંદગી કરી છે. જિલ્લાના બંને મોટા સમાજ આમનેસામને ચૂંટણીનું જંગ ખેલવાના છે.