આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024 ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવે છે પરંતુ શું તમને એ ખબર છે કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે?
આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના નાયબ કલેકટર રિદ્ધિ શુક્લાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં મતદાનના દિવસે મતદારની ડાબી આંગળી પર મતદાન પહેલાં ચિહ્નિત કરવામાં આવતી અવિલોપ્ય શાહી સરળતાથી દૂર કરી શકાતી નથી અને તેનો હેતુ મતદાર દ્વારા ડબલ અને બોગસ મતદાન અટકાવવાનો છે.
આ પણ વાંચો: ગાંધીનગર લોકસભાની બેઠક માટે કુલ 30 ઉમેદવાર મેદાનમાં
આપણે જ્યારે મતદાન પથકમાં પોતાનો મત આપીએ છીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે. આ અવિલોપ્ય શાહી વિશેની જોગવાઈ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ-1951ની કલમ-61 માં જોવા મળે છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીમાં બોગસ વોટીંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે એના માટે આવી કોઈ પણ પ્રકારની શાહીનો ઉપયોગ કરી શકાશે.
ચૂંટણીમાં વપરાતી આ અવિલોપ્ય શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે એ મૈસુર પેઇન્ટ અને વાર્નિશ લિમિટેડ કરીને ગવર્મેન્ટ કંપની છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે. હાલના ડેટા પ્રમાણે આ લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે. આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે. જેમાં ઘાના, સાઉથ આફ્રિકા, મલેશિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે જેને આ કંપની દ્વારા ચૂંટણી માટે શાહી સપ્લાય કરવામાં આવે છે.
આ અવિલોપ્ય શાહીમાં એક સિલ્વર નાઈટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે કોઈપણ અલ્ટ્રા વાયોલેટ લાઈટ અથવા તો પછી સનલાઈટની સાથે રિએક્ટ કરે છે. આ અવિલોપ્ય શાહીની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે એટલે તમારા હાથ ઉપરથી એનો રંગ નથી નીકળતો નથી એટલા માટે બોગસ કે ડબલ વોટિંગ અટકાવવા ચૂંટણી પંચ દ્વારા મતદાન વખતે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે.