અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 23 તો પશ્ચિમ બેઠક માટે 6 ઉમેદવારનાં ફોર્મ માન્ય
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમદાવાદ જિલ્લામાં 12મી એપ્રિલથી 19 મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો દ્વારા બંને લોકસભા બેઠકો પર ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી હતી.
20મી એપ્રિલના રોજ બન્ને બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની બન્ને લોકસભા બેઠકો માટે નિયમાનુસાર અને યોગ્ય રીતે ભરાયેલા ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા અને અધૂરી વિગતવાળા કે ખામીયુક્ત ઉમેદવારી પત્રોને અમાન્ય ઠેરવવામાં આવ્યા છે.
7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 34 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં છે, જ્યારે 23 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં છે.
એ જ રીતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 12 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 6 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે અને 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે. તા. 22 એપ્રિલ, 2024ના રોજ બપોરના 3.00 કલાક સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. એટલે 22મી એપ્રિલે સાંજ સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.